ગંગાજળ ઉપર છેક 2017થી GST લાગતો જ નથીઃ CBICની સ્પષ્ટતા
- ગંગાજળ પર ગેરમાર્ગે દોરનારી માહિતી વહેતી થયા બાદ નાણાં મંત્રાલયની સ્પષ્ટતા
- ગંગાજળને GST હેઠળ મુક્તિ આપવામાં આવી છે : CBIC
- 18% GST લગાવવાની માહિતી પાયા વિહોણી : CBIC
થોડા દિવસો પહેલા ગંગાજળ પર 18 ટકા GST લાદવામાં આવ્યો છે તેવા અનેક ગેરમાર્ગે દોરનારા અહેવાલો પ્રસિધ્ધ થયા હતા. જે બાદ ગુરુવારે નાણાં મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ(CBIC) વિભાગ દ્વારા ગંગાજળ પર આવી ગેરમાર્ગે દોરનારી માહિતીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે ગંગાજળને GST હેઠળ મુક્તિ આપવામાં આવી છે એટલે કે ગંગાજળ પર કોઈ GST લગાવવામાં આવ્યો નથી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ વિભાગ દ્વારા સ્પષ્ટતા
ગેરમાર્ગે દોરનારી માહિતી વહેતી થયાં બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ(CBIC) વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશભરના ઘરોમાં ગંગાજળનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે અને પૂજા સામગ્રીમાં ઉપયોગમાં લેવામાં આવતા ગંગાજળને GST હેઠળ મુક્તિ આપવામાં આવી છે. 18-19 મે, 2017 અને 3જી જૂન, 2017ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની અનુક્રમે 14મી અને 15મી બેઠકોમાં પૂજા સામગ્રી પરના GST વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને તેમને મુક્તિ સૂચિમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી, આ તમામ વસ્તુઓને GST લાગુ થયા બાદથી મુક્તિ આપવામાં આવી છે.
Clarification regarding certain media reports on applicability of GST on Gangajal. pic.twitter.com/t598ahN07x
— CBIC (@cbic_india) October 12, 2023
હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ જ મહત્ત્વ
હિંદુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક વિધિમાં ગંગા જળનું પોતાનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રીનો મહાપર્વ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન ઘરોમાં ગંગા જળનો છંટકાવ કરવામાં આવે છે. આ ગંગા જળની ખરીદી પર 18% GST લાદવામાં આવ્યો હોવાની ગેરમાર્ગે દોરનારી માહિતી વહેતી થતાં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ પણ જુઓ :નવરાત્રિ 2023: સળગતી ઇંઢોણી અને હાથમાં મસાલ સાથે ગરબે રમવાની અનોખી પરંપરા