કોરોના પછી યુવાનોના અચાનક મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા નથી: આરોગ્ય મંત્રાલય
- કોવિડ પછી યુવાનોમાં હાર્ટ એટેક અને તેના સંભવિત કારણો અંગેના તેના અભ્યાસના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે: ICMR
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું કે કોવિડ-19થી સંક્રમિત કેટલાક યુવાનોના અચાનક મૃત્યુના અહેવાલો આવ્યા છે, પરંતુ હાલમાં આવા મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે પૂરતા પુરાવા નથી.
માંડવિયાનો જવાબ 21 જુલાઈ (શુક્રવાર)ના રોજ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદો રવીન્દ્ર કુશવાહ અને ખગેન મુર્મુના પ્રશ્નના લેખિત જવાબના રૂપમાં આવ્યો હતો. સાંસદોએ પૂછ્યું કે શું COVID-19 મહામારી પછી દેશભરમાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
તેના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ‘કોવિડ-19 પછી કેટલાક યુવાનોના અચાનક મૃત્યુ નોંધાયા છે. જોકે, હાલમાં આવા મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) કોવિડ-19 પછી કાર્ડિયાક અરેસ્ટના વધતા કેસોની શક્યતા વિશે તથ્યો શોધવા માટે ત્રણ રિસર્ચ પર કામ કરી રહી છે.
પ્રથમ અભ્યાસનો હેતુ ભારતમાં 18 થી 45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળોને જોવાનો હતો.
તે મલ્ટિ-સેન્ટર મેચ્ડ કેસ સ્ટડી છે, એક પ્રકારનું નિરીક્ષણ કવાયત જ્યાં જૂથોની તુલના વિવિધ પરિમાણો પર કરવામાં આવે છે. માંડવિયાએ કહ્યું કે આ અભ્યાસ લગભગ 40 હોસ્પિટલો અને સંશોધન કેન્દ્રોમાં ચાલી રહ્યો છે.
આ પણ વાંચો- હિંસાની માર: ડરમાં લોકો છોડી રહ્યાં છે ઘર-બાર; મણિપુર પછી મિઝોરમમાં પણ હાઇ એલર્ટ
બીજો અભ્યાસ ભારતમાં 18 થી 45 વર્ષની વયના લોકોની રક્તવાહિનીઓ અથવા હૃદયમાં લોહીના ગંઠાવાની ઘટનાઓ પર કોવિડ -19 રસીની અસરને જોઈ રહ્યો છે.
આ અભ્યાસ બહુ-કેન્દ્રિત પણ છે, એટલે કે બહુવિધ કેન્દ્રો પર હાથ ધરવામાં આવ્યો છે અને તે હોસ્પિટલ આધારિત, સમૂહ અભ્યાસ છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે લગભગ 30 હોસ્પિટલોમાં આ રિસર્ચ ચાલી રહ્યું છે.
વિશ્લેષણોએ તારણ કાઢ્યું હતું કે કોવિડ-19 રસીકરણ પછી મ્યોકાર્ડિટિસ (હૃદયના સ્નાયુમાં બળતરા) જેવી સ્થિતિઓ દુર્લભ હોવા છતાં જોખમ કોરોના સાથે સંકળાયેલ હૃદયની ઇજાના જોખમ કરતાં ઓછું છે.
માંડવિયાએ કહ્યું, ત્રીજું રિસર્ચનું શીર્ષક છે “યુવાઓમાં અચાનક અસ્પષ્ટ મૃત્યુનું કારણ સ્થાપિત કરવું” છે અને તે વર્ચ્યુઅલ અને શારીરિક શબપરીક્ષણ (એટોપ્સી) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે તેમના મંત્રાલયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હૃદયરોગ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે ‘નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NP NCD)’ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડે છે.
તેમણે કહ્યું, “હૃદય રોગ એ NP NCD નો અભિન્ન ભાગ છે.”
ઉલ્લેખનિય છે કે તાજેતરના મહિનાઓમાં કોવિડ-19થી સંક્રમિત સ્વસ્થ વ્યક્તિઓના હ્રદયરોગથી થતા મૃત્યુમાં અસાધારણ વધારો થયો હોવાના અહેવાલો છે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સ્ટડીઝ (AIIMS)ના પ્રોફેસર રાકેશ યાદવે માર્ચમાં ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે જો કે ત્યાં કોઈ પ્રમાણિત ડેટા નથી, આવી ઘટનાઓની વિગતો આવા કેસોમાં 10-15 ટકાનો વધારો દર્શાવે છે.
તમને જણાવી દઈએ કે કેટલાક અભ્યાસોએ કોવિડ પછી હૃદય રોગના વધતા જોખમ તરફ ઈશારો કર્યો છે.
નેચર જર્નલમાં પ્રકાશિત ‘લોંગ-ટર્મ કાર્ડિયોવેસ્ક્યુલર કન્ઝિકન્સ ઑફ COVID-19’ શીર્ષકવાળા અભ્યાસમાં તારણ આવ્યું છે કે ગંભીર COVID-19 સંક્રમણથી બચી ગયેલા લોકોમાં હૃદય રોગનું જોખમ નોંધપાત્ર છે.
ભારતમાં ખાસ કરીને યુવાનોમાં હ્રદયની રોગોના કારણે થતા મૃત્યુની સંખ્યા પર કોઈ મોટા પાયે અભ્યાસ નથી, તેમ છતાં કેટલીક હોસ્પિટલોએ પોતાના સ્તરે આવા અભ્યાસ કર્યા છે.
ICMRએ ગયા મહિને મનીકંટ્રોલને જણાવ્યું હતું કે કોવિડ પછી યુવાનોમાં હાર્ટ એટેક અને તેના સંભવિત કારણો અંગેના તેના અભ્યાસના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો-મણિપુર હિંસા: લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે અમિત શાહે કહ્યું- મને સમજાતું નથી કે વિપક્ષ….