ઉજજૈન મહાકાલેશ્વરમાં આટલા દિવસ ગર્ભગૃહમાં ‘No Entry’: મોબાઇલ પણ Ban
ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં દર્શન કરવા રોજ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આવા સંજોગોમાં 2022ના અંત અને ડિસેમ્બરની રજાઓ હોવાના કારણે મહિનાના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં ભક્તોની ભીડ ઉમટવાની શક્યતાઓ છે. શ્રદ્ધાળુઓમાં સખત વધારો થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં અને નંદી હોલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
મહાકાલ મંદિરમાં રોજ 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. શ્રદ્ધાળુઓને મહાકાલ લોકનુ ભ્રમણ કરતા અને બાબા મહાકાલના દર્શન કરતા આશરે 2થી 3 કલાકનો સમય લાગે છે. અત્યારથી શ્રદ્ધાળુઓની લાંબી લાઇનો લાગવા લાગી છે અને રોજબરોજ ભક્તોની સંખ્યા વધી રહી છે. આ કારણથી 25 ડિસેમ્બરથી ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાયો છે.
મહાકાલ મંદિરમાં 20 ડિસેમ્બર પછી મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સોશિયલ મીડિયા પર લોકો રીલ પોસ્ટ કરી રહ્યાં છે અને સુરક્ષા સંબંધિત ફરિયાદો આવતા સરકારે આ નિર્ણય લીધો છે. મહાકાલેશ્વર મંદિર મંડળ પ્રમુખ અને જીલા કલેક્ટર આશિષ સિંહે એવું જણાવ્યું કે 20 ડિસેમ્બર પછી મંદિર પરિસરમાં મોબાઈલ નહીં વાપરી શકાય તેને માટે ટૂંક સમયમાં લોકર બનાવવામાં આવશે અને શ્રદ્ધાળુઓએ તેમાં મોબાઇલ મૂકી દેવા પડશે. ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા બે મહિલા સુરક્ષાકર્મીઓએ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં ફિલ્મી ગીત પર ડાન્સ કરીને તેનો વીડિયો અપલોડ કર્યો હતો જે વાયરલ થતાં પૂજારીઓ નારાજ થયા હતા.