LAC મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરાઈ : એસ.જયશંકરનો સ્પષ્ટ સંદેશ
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર ભારત-ચીન સંબંધો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. સાયપ્રસના લાર્નાકામાં ભારતીય ડાયસ્પોરા સાથેની તેમની વાતચીત દરમિયાન જયશંકરે કહ્યું કે આપણી સરહદો પર પડકારો છે જે કોવિડ દરમિયાન વધ્યા છે. ચીન સાથેના સંબંધો સામાન્ય નથી કારણ કે અમે LACને એકપક્ષીય રીતે બદલવાના કોઈપણ પ્રયાસ સાથે સહમત નથી.
ભારત સૌથી વધુ આંતકવાદ પીડિત દેશ
તેમણે કહ્યું કે ભારત વિશે ઘણી અપેક્ષાઓ છે કારણ કે આપણને સમસ્યાઓ હલ કરનારા દેશ તરીકે જોવામાં આવે છે. આપણને મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ તરીકે જોવામાં આવે છે અને આપણને સ્વતંત્ર દેશ તરીકે પણ જોવામાં આવે છે. આતંકવાદના મુદ્દા પર જયશંકરે કહ્યું કે મૂળ મુદ્દાઓ પર કોઈ સમાધાન નથી કારણ કે આપણા જેટલો કોઈ દેશ આતંકવાદથી પીડિત નથી. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અમે ક્યારેય આતંકવાદને સામાન્ય અને તર્કસંગત બનાવીશું નહીં.
પાકિસ્તાનને આપી સલાહ
પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાય નહીં. જયશંકરે સાયપ્રસમાં ભારતીય પ્રવાસીઓ સાથેની વાતચીત દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે અમે તેને ક્યારેય સામાન્ય બનાવીશું નહીં. અમે આતંકવાદને ક્યારેય અમને વાટાઘાટોના ટેબલ પર આવવા દબાણ કરવા નહીં દઈએ. અમે બધા સાથે સારા પડોશી સંબંધો ઈચ્છીએ છીએ. પરંતુ સારા પડોશી સંબંધો રાખવા માટે બહાના બનાવવા અથવા દૂર જોવા અથવા આતંકવાદને તર્કસંગત બનાવવાનો છે. અમે તેના વિશે ખૂબ જ સ્પષ્ટ છીએ.