રાજ્યમાં કાળઝાળ ગરમીથી છેલ્લા બે-ત્રણ દિવસથી રાહત છે. અને રાજ્યમાં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સારો પવન અને વાદળછાયું વાતાવરણને કારણે 25મીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી હતી. જો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા જ નથી. પરંતુ રાજસ્થાન પર સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યમાં વાદળછાયું હવામાન બન્યું છે. ત્યારે આગામી સમયમાં હજુ ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ હવામાન ભેજવાળું રહેતા ગરમીથી રાહત મળશે.
ગુજરાતમાં વરસાદ આવે એવી હાલ કોઈ સિસ્ટમ દેખાતી નથીઃ હવામાન વિભાગ
રાજસ્થાન ઉપર લો પ્રેશર ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની ગતિ 10 થી 15 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. એટલું જ નહીં, તાપમાનમાં 2 થી 3 દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં. હાલ વાતાવરણમાં ભેજ છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં નથી. ગુજરાતમાં વરસાદ આવે એવી હાલ કોઈ સિસ્ટમ દેખાઈ રહી નથી.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે.
અમદાવાદ સહિતના જિલ્લામાં મળશે ગરમીથી રાહત
પ્રિ-મોનસૂન એક્ટીવિટીના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છે. તેજ પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. તો સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સરહદીય વાવ,થરાદ, સુઇગામ, ભાભર ધાનેરા સહિતના વિસ્તારોમાં ઠંડા પવન સાથે વાદળ છાયું વાતવરણ સર્જાયું છે. બનાસકાંઠા વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી છે. બાજરી,એરંડા,જુવાર સહિતના પાકોમાં નુક્સાનની ભીતિ છે.
પવનની દિશા બદલાતા ફરી ગરમી પડશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં પવનની દિશા બદલાતા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની શક્યતા નહિવત છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના છે.
દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના અનુસંધાને આગામી ચારથી પાંચ દિવસ સુધી કેરળ, કર્ણાટક સહિતના દરિયાકાંઠાના વિસ્તરોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે.