બેંક એકાઉન્ટ નંબર કે IFSC કોડ નહીં, હવે IMPS દ્વારા પૈસા થશે ટ્રાન્સફર
- જો તમે તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) દ્વારા પૈસાની લેવડદેવડ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ IMPS સેવાને વધુ સરળ બનાવી છે.
New IMPS money transfer rule: જો તમે તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) દ્વારા પૈસાની લેવડદેવડ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ IMPS સેવાને સરળ બનાવી છે. હવે તમે IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે લાભાર્થીના એકાઉન્ટ નંબર અથવા IFSC કોડની જરૂર નહીં પડે. હવે તમે માત્ર બેંક ખાતા ધારકના નામ અને લાભાર્થીનો મોબાઈલ નંબર દાખલ કરીને IMPS દ્વારા 5 લાખ રૂપિયા સુધીની રકમ મોકલી શકશો.
અત્યાર સુધીના નિયમો શું છે?
અત્યાર સુધી એવો નિયમ હતો કે જો IMPS દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં મોટી રકમ મોકલવાની હોય તો તે પહેલાં લાભાર્થીનું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ દાખલ કરવો પડતો હતો. આ રીતે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલવા માટે વાર લાગતી હતી. જો કે, હવે નવા નિયમના અમલ પછી તમે જેના ખાતામાં પૈસા નાખવા માગો છો તેના ખાતા નંબર કે IFSC કોડ દાખલ કર્યા વગર એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં 5 લાખ રૂપિયા સુધી પૈસા ટ્રાન્સફર કરી શકશો. NPCI કહે છે કે તમે પૈસા મોકલવા માટે પ્રાપ્તકર્તા અથવા લાભાર્થીના મોબાઇલ નંબર અને બેંક ખાતાના નામનો ઉપયોગ કરી શકો છો. NPCIનું કહેવું છે કે લાભાર્થીના બેંક ખાતામાં નામના આધારે વેરિફિકેશન કરી શકાય છે.
આ બાબતોનું ખાસ ધ્યાનમાં રાખજો
જો તમે IMPS દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છો, તો તેના પહેલા ઘણી વખત લાભાર્થીનું નામ અને મોબાઈલ નંબર કન્ફર્મ કરો. તમારા ડેબિટ કાર્ડની વિગતો (કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને CVV નંબર) કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. તમને મળેલો કોઈપણ OTP શેર કરશો નહીં. તેમજ અજાણ્યા નંબર પર SMS ફોરવર્ડ કરશો નહીં અને તમારો નેટ/મોબાઇલ બેંકિંગ લોગિન પાસવર્ડ પણ કોઈને શેર કરશો નહીં.
આ પણ વાંચો: પાંચ વર્ષ સુધીનાં બાળકોના આધારકાર્ડ બાબતે શું આવ્યો નવો નિયમ?