અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ભરતી કૌભાંડ તેમજ ગેરરીતિની અનેક ફરિયાદો હોવા છતાં જેટકોના પૂર્વ MD બી.બી ચૌહાણ સામે પગલા નહીં?

અમદાવાદ,27 ડિસેમ્બર 2023 ,જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતીમાં જૂનાગઢ, જામનગર અને અમરેલીમાં પોલ ટેસ્ટ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા નીતિ નિયમો નેવે મૂકી ગેરરીતિ આચરવામાં આવી હોવા મામલે ભારે હોબાળા બાદ સરકારે પાંચ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. જેટકોના ચીફ એન્જિનિયર એ. બી. રાઠોડે મંગળવારે અધિકારીને સસ્પેન્ડ કરી નાખવાના હુકમો કર્યા છે. 6 ઈજનેરને સસ્પેન્ડ કરાતાં વિવિધ વીજ કંપનીના ઇજનેરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઈજનેરોનું કહેવું છે કે, આ બધું એચઆર વિભાગે જોવાનું હોય છે. ઈજનેરોનું કામ ટેકનિકલ હોય છે પણ વિવાદ થયો એટલે એચઆર વિભાગની ભૂલ ટેકનિકલ બાબતો જાણતાં ઈજનેરો પર ઢોળી દેવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં અગાઉ ભરતી કૌભાંડ અને ગેરરીતિની અનેક ફરિયાદો થઈ હોવા છતાં જેટકોના પૂર્વ એમડી બી.બી. ચૌહાણ સામે પગલાં ક્યારે લેવાશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાતના વિદ્યુત કર્મચારી મંડળોએ ભારે વિરોધ નોંધાવ્યો
જેટકો દ્વારા આ પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.અગાઉ જેટકોમાં સરકારની અનામત નીતિનો ભંગ કરીને ભરતી પ્રક્રિયાના રોસ્ટર સાથે ચેડાં કરીને જનરલ કેટેગરીના ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવી હતી. આ મામલે ગુજરાતના વિદ્યુત કર્મચારી મંડળોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. આ કેસ જેટકોના પૂર્વ એમ ડી બી.બી. ચૌહાણના કાર્યકાળમાં થયો હતો. આ ભરતી કૌભાંડ ઉપરાંત બી.બી ચૌહાણે એક રિયલ્ટી કંપનીને ખોટી રીતે હેરાન કરવા માટે તેની સામે પણ ખોટી રીતે પેનલ્ટી લગાવી હતી અને કંપનીના એગ્રિમેન્ટ સાથે ચેડાં કર્યા હતાં. જેની કંપની દ્વારા બી.બી. ચૌહાણ સહિત પાંચ અધિકારીઓ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

બી.બી ચૌહાણને સત્તાવાર રીતે નિવૃત્ત કરી દેવામાં આવ્યા
જેટકોના પૂર્વ MD બી.બી. ચૌહાણને નિવૃતિ પછી પુનઃ નિયુક્તિ આપવા ઊર્જા વિભાગની ફાઈલ જે તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફગાવી દીધી હતી. ટ્રાન્સફોમર ખરીદી તેનો ગેરંટી પિરિયડ પૂર્ણ થયા બાદ ઉપયોગમાં લેવા જેવી અનેક ગેરરીતિથી લઈને ભરતી પ્રક્રિયા કૌભાંડોની ફરિયાદો હોવા છતાં તે વખતે વિભાગે ત્રણ વર્ષની એડહોક નિમણૂંકની દરખાસ્ત મોકલી હતી. તે સમયે વિદ્યુત સંઘ સહિતના કર્મચારી સંગઠનોએ વાંધો ઉઠાવતા તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપવાનું ટાળ્યું હતું. આ સમયે બી.બી ચૌહાણે સૌરાષ્ટ્રના એક મંત્રી મારફતે એક વર્ષના કોન્ટ્રાક્ટ માટે પુનઃનિયુક્તિ મેળવવા અગ્રસચિવ પર દબાણ વધાર્યું હતું. પરંતુ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું નહોતું. અંતે બી.બી ચૌહાણને સત્તાવાર રીતે નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતાં. સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, એક IPSએ પણ બી.બી. ચૌહાણને બચાવવા માટે ખૂબ ધમપછાડા કર્યાં છે. હાલમાં બી.બી ચૌહાણ સામે સીઆઈડી ક્રાઈમમાં ગુનો ચાર્જશીટ પર અટકી પડ્યો છે અને હાઈકોર્ટે પણ ફરિયાદ માન્ય રાખી છે અને કૉશ કરી નથી.

એક રીયલ્ટી કંપની દ્વારા સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરાઈ
ત્યારે હાલમાં જેટકો દ્વારા જૂનાગઢમાં પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું સુપરવિઝન કરનારા મહેસાણા સર્કલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર બી. જે. ચૌધરી, ડેપ્યુટી ઇજનેર કે. એચ. પરમાર, જામનગર સર્કલમાં પોલ ટેસ્ટની ડ્યૂટીમાં બેદરકારી રાખનારા ધાનેરા ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ. આર. યાદવ, અમરેલીમાં પોલ ટેસ્ટ દરમિયાન બેદરકારી દાખવનાર ભરૂચ સર્કલમાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ.પી. ભાભોર અને સુરેન્દ્રનગર ખાતે પોલ ટેસ્ટમાં બેદરકારી દાખવનાર નવસારીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે. જી. પટેલ તથા લીમડીના એ.જી. સોલંકીને સસ્પેન્ડ કરાયા છે. પરંતુ જેમની સામે ગુજરાતના વિદ્યુત કર્મચારીઓએ તપાસની માંગ કરી છે અને એક રીયલ્ટી કંપની દ્વારા સીઆઈડી ક્રાઈમમાં પણ ફરિયાદ કરવામાં આવી છે એ જેટકોના પુર્વ એમ ડી બી.બી ચૌહાણ હજી બિંદાસ્ત ફરી રહ્યાં છે. એમની સામે ક્યારે પગલાં લેવાશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાત: GETCOમાં ભરતી મુદ્દે MDની અવડચંડાઇ, ગાંધીનગરમાં ભડકો કરાવશે!

Back to top button