નીતિશ કુમારને વડાપ્રધાન બનવું છે કે નહીં ? આપ્યું આ મહત્વનું નિવેદન
દેશમાં 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષને એક કરવાના ઈરાદા સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે એટલે કે સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો વિપક્ષ એક થશે તો સારું વાતાવરણ સર્જાશે. મારી વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા કે આકાંક્ષા નથી.
લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને પણ મળ્યા
આ પહેલા સોમવારે નીતિશ કુમાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવને પટનામાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પૂર્વ સીએમ રાબડી દેવી પણ હાજર હતા. દિલ્હી જતા પહેલા તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું કે મેં લાલુ યાદવ સાથે વાત કરી છે… હું દિલ્હી જઈશ, જ્યાં હું રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળીશ અને સાંજે રાહુલ ગાંધીને પણ મળીશ. તેઓ રાહુલના ઘરે પણ પહોંચી ગયા છે.
અન્ય નેતાઓ સાથે પણ કરી મુલાકાત
સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર, જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામી અને અન્ય રાજકીય નેતાઓને પણ મળવાની શક્યતા છે. તેઓ સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવને પણ મળશે. મહત્વનું છે કે, નીતીશ કુમાર 7 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં રહેશે અને આ દરમિયાન તેઓ વિપક્ષના ઘણા નેતાઓને મળશે. નીતીશ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરશે.