3 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની વધુ એક વિકેટ ખેડવામાં સફળ રહ્યું છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ નેતા નીતિન પટેલે આજે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેમણે ગત 20 ઓક્ટોબરના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઘણા કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ હાલ પક્ષપલટો અથવા રાજીનામાં તરફ વળી રહ્યા છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે.
સંગઠન મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે ધારણ કર્યો કેસરિયા
અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ નેતા નીતિન પટેલ આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા. તેમણે સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
કોંગ્રેસ સાથે કોઈ દુશ્મની નથી, મને ઘણું આપ્યું પક્ષે
ભાજપમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારી કોંગ્રેસમાંથી ભાજપમાં એન્ટ્રી નથી, મારી ભાજપમાં ઘર વાપસી થઈ છે. મારી ટિકિટ માટે કોઈ માંગણી નથી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ સાથે મારી કોઈ દુશ્મની નથી. કોંગ્રેસના નેતાઓએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. માંગી નથી તોય ટિકિટ આપી છે. અત્યારે પણ ટિકિટ આપતા હતા. પરંતુ કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. લોકો પાસે મત માંગવા માટે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી.
કોણ છે નીતિન પટેલ ?
આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયેલા નીતિન પટેલ કોંગ્રેસના એક સમયના કદાવર નેતા માનવામાં આવી રહ્યા છે. તેઓ ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર નારણપુરા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા. જ્યાં તેઓને 41 હજાર મત મળ્યાં હતા.
ભાજપના ચાણક્યની પરંપરાગત બેઠક ઉપર 41 હજાર મત લઈ ગયા હતા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં નીતિન પટેલ જે નારણપુરા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા તે બેઠક ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય, કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરંપરાગત બેઠક છે અને ચાણક્યની આ બેઠક ઉપર તેઓએ 2017 માં 41 હજાર મત અંકે કર્યા હતા.