નીતા અંબાણીએ 3000થી વધુ બાળકોની સેવા કરીને 60મો જન્મદિવસ ઉજવ્યો


- અન્ન સેવા કરી બાળકો સાથે બર્થ ડે ઉજવ્યો
- દેશના 1.4 લાખ લોકો સુધી ભોજન પહોંચાડ્યું
- 3000 જેટલા બાળકો સાથે કેક પણ કાપી
મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ 1 નવેમ્બર 2023ના રોજ તેમનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓએ મુંબઈમાં અન્ન સેવા ખાતે 3000થી વધુ ગરીબ બાળકોને ભોજન પીરસ્યું હતું. નીતા અંબાણી ઘણા વર્ષોથી તેમના જન્મદિવસ પર અન્ન સેવા કરે છે. તેમના જન્મદિવસ નિમિત્તે બાળકોએ મનોરંજન, ભેટ અને ભોજનનો આનંદ માણ્યો હતો.

જન્મદિવસ નિમિત્તે નીતા અંબાણીએ વંચિત બાળકો સાથે કેક કાપી. બાળકોએ નીતા અંબાણીના હાથથી કેક પણ ખાધી હતી. આ અવસરે તેમણે કહ્યું કે, બાળકો અને મહિલાઓ હંમેશા મારા દિલની નજીક છે. ખાસ વાત એ છે કે તેમના જન્મદિવસ પર 15 રાજ્યોમાં 1.4 લાખ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું.

અન્ન સેવા દ્વારા લગભગ 75 હજાર લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જ્યારે 65 હજાર લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન નીતા અંબાણીએ અન્ન સેવા નામનો ખોરાક વિતરણ કાર્યક્રમ ચલાવ્યો હતો.

નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બર 1963ના રોજ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. નીતા અંબાણીએ 1985માં મુકેશ અંબાણીને મળ્યા અને તેમની સાથે લગ્ન કર્યા ત્યાં સુધી શિક્ષિકા તરીકે કામ કર્યું. નીતાએ નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે. સાથોસાથ તેઓ સામાજિક કાર્યકર, ઉદ્યોગ સાહસિક, કળા અને રમતગમતના નિષ્ણાત છે. નીતા અંબાણીએ પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ચૂંટાયેલાં તે પ્રથમ ભારતીય મહિલા છે. એટલું જ નહીં, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ન્યૂયોર્કના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝમાં પણ જોડાનાર તે પ્રથમ ભારતીય છે.
આ પણ વાંચો: નીતા અંબાણીને એક વાર સાડી પહેરાવવાના ડિઝાઇનર લે છે લાખો રૂપિયા