‘પ્રાઈમ ફોક્સના’ વરિષ્ઠ નિર્માતા અને ડીઆઇ હેડ નિર્મલ ગાલાએ NIMCJના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
અમદાવાદ, 28 ડિસેમ્બર : પોસ્ટ પ્રોડક્શનના ખૂબ જ અનુભવી અને પ્રતિષ્ઠિત નિર્મલ ગાલા સાથે ગોષ્ઠિ કરવાનો અવસર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓને મળ્યો હતો. તેઓ મુંબઈ સ્થિત ‘પ્રાઈમ ફોક્સ’ પોસ્ટ પ્રોડક્શન હાઉસના વરિષ્ઠ નિર્માતા છે.
તેમણે શનિવારે સત્રમાં વિદ્યાર્થીઓ સાથે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનાં પૉસ્ટ પ્રોડકશનના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા કરી. આ ઉપરાંત ફિલ્મોમાં ડિજિટલ ઈન્ટરમિડિયેટ (DI) કઈ રીતે કાર્ય કરે છે તેની માહિતી આપી હતી.
વિદ્યાર્થીઓને પોસ્ટ પ્રોડકશનના બે મહત્વના મુદ્દાઓ કલર ગ્રેડિંગ અને VFXના ઉપયોગની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી હતી. આ સાથે તેમનાં દ્વારા અલગ – અલગ ફિલ્મોમાં કરવામાં આવેલા કાર્યોને પણ વિડિઓ ક્લિપ્સ મારફત પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં.
વિદ્યાર્થીઓના સવાલના જવાબ આપતાં નિર્મલ ગાલાએ કહ્યું કે આ ક્ષેત્રમાં કામ કરવા માટે ખૂબ જ મહેનત અને ધીરજ જોઈએ. તેમણે ટેક્નિકલ માહિતી તથા કલર ગ્રેડિંગ ,VFXના સોફ્ટવેરનું પણ જ્ઞાન પીરસ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે નિર્મલ ગાલા આ ક્ષેત્રમાં 15 વર્ષના અનુભવી છે અને બહોળી ટીમ સાથે લઈને તેમણે બોલિવૂડ – હોલિવૂડની અનેક પ્રસિદ્ધ ફિલ્મો માટે કામ કરેલું છે.
તેમની ટીમ કેવી રીતે ફિલ્મોનાં એડિટિંગ થી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધી કાર્ય કરે છે તેની સંપૂર્ણ શ્રેણી પણ તેમણે આ તબક્કે સમજાવી હતી સાથે તેમણે તેમની કારકિર્દીની સફર – કોમ્પ્યુટર શિક્ષકથી શરૂ કરીને એશિયાની સૌથી મોટી કંપનીના વરિષ્ઠ હોદ્દેદાર બનવા સુધીની યાત્રાની વિગતો વિદ્યાર્થીઓ સાથે શૅર કરી હતી. એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓ માટે આ સંવાદ ખૂબ જ પ્રેરણાત્મક અને જ્ઞાનવર્ધક રહ્યો હતો. આ પ્રસંગે પ્રાધ્યાપક કૌશલ ઉપાધ્યાય, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :- 2 IPO અને 6 લિસ્ટિંગ, આ રીતે નવા વર્ષમાં શેરબજારની શરૂઆત થશે