પહેલીવાર વોટ આપનારા નવ સંતોએ મતદાનનો અનુરોધ કર્યો
સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળ- વેડરોડના ૨૮ સંતોએ સામૂહિક મતદાન કરી નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. સંતોએ ૧૬૬ -કતારગામ વિધાનસભામાં આવતા નાની વેડ ગામ ખાતેના ગુરૂકુલ પરિસરના મતદાન બુથમાં એકસાથે મતદાન કર્યું હતું, જેમાં પ્રથમ વખત મતદાન કરનારા ૯ સંતોએ પણ પોતાના પવિત્ર મત આપ્યો.
આ સંતોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી અને લોકોને પણ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા અને પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવાની વિનંતી કરી હતી.
ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીના પહેલા તબક્કાના મતદાન માટે આજે સુરતના મતદાતાઓ સૌથી વધુ જાગૃત જણાયા હતા અને કેટલાક મતદાન મથકો એવા હતા કે મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી માટે સુરત રાજકીય એપી સેન્ટર બન્યુ છે. સુરતમાં કેટલીક બેઠક ભાજપનો ગઢ છે જ્યારે કેટલીક બેઠકો પર આપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. કોંગ્રેસ પણ કેટલીક બેઠકો પર ઉલટફેર કરે તેવી અટકળો છે. સુરત શહેરની બાર બેઠકોમાંથી પાંચ બેઠક પર ત્રિપાંખીયો જંગ છે. જોકે બધુ ચિત્ર સ્પષ્ટ તો 8 ડિસેમ્બરના રોજ જ થશે.