ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમાચલના બળવાખોર ધારાસભ્યનો દાવો: હજુ 9 MLA અમારા સંપર્કમાં

શિમલા (હિમાચલ પ્રદેશ), 02 માર્ચ 2024: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ માટે વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્ય રાજીન્દર રાણાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ઓછામાં ઓછા 9 વધુ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. રાણાએ સીએમ સુખવિન્દર સિંહ સુક્ખુના દાવાને નકારી કાઢ્યો હતો કે કેટલાક બળવાખોર ધારાસભ્યો પાછા ફરવા માંગે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે,ઓછામાં ઓછા નવ પક્ષના ધારાસભ્યો તેમની સાથે સંપર્કમાં છે. તેમણે સુક્ખુ પર પોતાના નિવેદનોથી લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો હતો. એમ પણ કહ્યું કે,  પાર્ટીમાં કોઈપણ પાછા ફરવા માંગતું નથી.

લોકોનું સન્માન જાળવવા માટે અમે ક્રોસ વોટિંગ કર્યું: રાણા

રાજ્યની એકમાત્ર બેઠક માટે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ અંગે રાણાએ કહ્યું કે, અમે હિમાચલ પ્રદેશ અને તેના લોકોનું સન્માન જાળવવા માટે આ નિર્ણય લીધો છે. કોંગ્રેસના અન્ય એક ગેરલાયક ધારાસભ્ય ઈન્દર દત્ત લખનપાલે કહ્યું, કેટલાક લોકો હવે અમને બળવાખોર અથવા દેશદ્રોહી કહેશે. પરંતુ અમે નથી. અમે અમારા અંતરાત્માની વાત સાંભળી. આ અમારો વ્યક્તિગત નિર્ણય હતો.

વિક્રમાદિત્ય સિંહે ફેસબુક બાયોમાંથી ‘PWD મિનિસ્ટર’ હટાવ્યું

બીજી તરફ, હિમાચલ પ્રદેશના PWD મંત્રી વિક્રમાદિત્ય સિંહે શુક્રવારે રાત્રે ‘PWD મિનિસ્ટર’ને પોતાના ફેસબુક પેજ પરથી હટાવીને હવે હિમાચલ પ્રદેશ સેવક લખ્યું છે. જો કે, અગાઉ હિમાચલ પ્રદેશ સરકાર પર સર્જાયેલી કટોકટી વચ્ચે 28 ફેબ્રુઆરીએ જાહેર બાંધકામ વિભાગના પ્રધાન વિક્રમાદિત્ય સિંહે સીએમ સુક્ખુની કેબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું હતું. પરંતુ સુક્ખુ સરકાર પરથી સંકટના વાદળો હજુ દૂર થયા નથી.

અગાઉ બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરાઈ હતી

હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ ગુરુવારે કોંગ્રેસના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીની ફરિયાદના આધારે, વિધાનસભાના અધ્યક્ષે તે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા જેમણે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું અને વિધાનસભામાં બજેટ પર મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. અયોગ્ય ઠેરવવામાં આવેલા એક ધારાસભ્યે કહ્યું કે તેઓ સ્પીકરના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.

આ પણ વાંચો: સુક્ખુ હિમાચલના CM રહેશે, છ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી બાદ નિરીક્ષક ડીકે શિવકુમારનું એલાન

Back to top button