નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડ, જાણો ભારતીય નર્સ પર શું છે આરોપ

યમન: કતારમાં આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા આપવાના નિર્ણય વચ્ચે યમનમાં ભારતીય નર્સને મૃત્યુદંડ આપવાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. યમનની કોર્ટે ભારતીય મહિલા નિમિષાને હત્યાના આરોપમાં દોષી ઠેરવીને મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ કેસમાં નર્સની માતાએ દિલ્હી હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને તેને યમન જવાની વિનંતી કરી હતી. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે નિર્ણય લેવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે.
વાસ્તવમાં નોકરી માટે યમન ગયેલી નિમિષાનો પાસપોર્ટ તેની કંપનીએ જપ્ત કરી લીધો હતો. મોટાભાગના આરબ દેશોમાં આ પ્રથા છે કે, વિદેશમાંથી ખાસ કરીને ભારતમાંથી કોઈ નોકરી માટે ત્યાં જાય ત્યારે તેઓ જે કંપનીમાં જોડાય તે કંપની ભારતીયોના પાસપોર્ટ પોતાની પાસે રાખી લે છે જેથી ભારતીયો પરત સ્વદેશ આવી ન શકે. આવું જ બન્યું હતું નિમિષા સાથે, અને હવે તે એક હત્યાના કેસમાં સપડાઈ છે.
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને નિમિષા પ્રિયાની માતાની વિનંતી પર નિર્ણય લેવા જણાવ્યું હતું. નિમિષાની માતા પોતાની દીકરીને બચાવવા યમન જવા માંગે છે જેથી તે ત્યાં પીડિતા સાથે બ્લડ મની એટલે કે વળતર અંગે ચર્ચા કરી શકે. આ પહેલા 13 નવેમ્બરે યમનની સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા વિરુદ્ધ નિમિષાની અરજી ફગાવી દીધી હતી.
દીકરીને બચાવવા માતાની આજીજી
તેની પુત્રીને બચાવવા માટે, નિમિષાની માતા યમન જવા માંગે છે અને મહદીના પરિવારને તેની પુત્રીને માફ કરવા માટે અપીલ કરે છે. તે મહદીના મૃત્યુના બદલામાં તેના પરિવારને બ્લડ મની આપવા અંગે પણ વાટાઘાટો કરવા માંગે છે. તે કહે છે કે હાલમાં તેની દીકરીને બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે.
વકિલે શું કહ્યું ?
અરજીકર્તાના વકીલ સુભાષ ચંદ્રન કેઆરએ કહ્યું કે નિમિષાને બચાવવાનો એકમાત્ર રસ્તો પીડિત પરિવાર સાથે વાત કરવાનો અને સમાધાન માટે પ્રયાસ કરવાનો છે. જો કે આ માટે અરજદારે યમન જવાની જરૂર છે, પરંતુ યમન પ્રવાસ પર પ્રતિબંધના કારણે નિમિષા યમન જઈ શકતી નથી.
કોણ છે નિમિષા પ્રિયા?
નિમિષા પ્રિયા કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી છે, જે વર્ષ 2014 કે તેના પહેલા તેના પતિ સાથે યમન ગઈ હતી. જોકે, આર્થિક તંગીના કારણે પતિ અને બાળકો પાછા ફર્યા, પરંતુ નિમિષા ત્યાં જ રહી હતી. યમનમાં રહીને તેણે પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. આ ક્લિનિક ખોલવા માટે તેણે તલાલ અબ્દો મહદીનો સંપર્ક કર્યો અને ક્લિનિક ખોલવામાં મદદ માંગી હતી.
શું છે મામલો?
નિમિષા 2017થી યમનની જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે તેણે પોતાનો પાસપોર્ટ પરત મેળવવા માટે મહદીને બેભાન કરવાનું ઈન્જેક્શન આપ્યું હતું, પરંતુ આ ઈન્જેક્શનનો ઓવરડોઝ થઈ જતાં મહદીનું મૃત્યુ થયું હતું.
નર્સ પર જુલાઈ 2017માં યમનના નાગરિકની હત્યાનો આરોપ લાગ્યો હતો. તેથી, 7 માર્ચે યમનની અદાલતે નિમિષાની મૃત્યુદંડની સજા યથાવત રાખી હતી.
આ પણ વાંચો: કતરમાં ભારતીયોને મોતની સજા મામલે વિદેશ મંત્રાલયનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું