સુરતઃ ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે? કોંગ્રેસે ઘરે જઈને વિરોધ કર્યો
સુરત, 23 એપ્રિલ 2024 લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારોએ પણ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે નિલેશ કુંભાણી સંપર્કવિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલા બેનરો લગાવ્યાં હતાં. નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. સમગ્ર વિરોધની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવું જાણવા મળ્યું છે
સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમની સરથાણા પોલીસે અટકાયત કરી છે. ફોર્મ ભરવાથી લઈને અત્યારસુધીનો ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે, નિલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે ષડ્યંત્ર રચ્યું હતું. જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે.કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે AAPએ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવું જાણવા મળ્યું છે.
નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા માટે રજૂઆત
કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું કે, લોકશાહીની હત્યા કરવાનું ષડ્યંત્ર નિલેશ કુંભાણી રચ્યું છે. નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય રીતે નહીં પરંતુ સામાજિક રીતે પણ બહિષ્કાર થવો જોઈએ. અમે જ્યારે અહીં વિરોધ કરવા આવ્યા છીએ ત્યારે અમને સરથાણા પોલીસે ડિટેઇન કરી લીધા છે.AAP દ્વારા કલેક્ટરને નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા માટે માગણી કરતી લેખિત રજૂઆત કરી હતી. AAP નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, ભાજપે આખેઆખું ષડ્યંત્ર રચ્યું છે. આઝાદ ભારતમાં લોકશાહીમાં પહેલી આવી કલંકરૂપ ઘટના બની છે. લોકસભાની ચૂંટણીમાં ષડ્યંત્ર રચીને લોકશાહીને ખતમ કરવાનું કૃત્ય સુરતમાં કરવામાં આવ્યું છે. ભાજપે આખું ષડ્યંત્ર રચ્યું છે. લોકશાહીની હત્યા કરવામાં આવી છે.
ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ના કરે એવી કાર્યવાહી કરો
મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા માટેનાં જે કારણો દર્શાવવામાં આવ્યાં છે તે પણ અમને યોગ્ય જણાતાં નથી. પરંતુ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ષડ્યંત્ર રચીને આ ચૂંટણી થવા દીધી નથી. પહેલાં નિલેશ કુંભાણી સાથે ષડ્યંત્ર રચીને તેમનું ફોર્મ રદ થાય તેવું કાવતરું રચવામાં આવ્યું અને ત્યારબાદ જે પક્ષમાં ઉમેદવારો હતા તેને લાલચ આપીને ફોર્મ પરત ખેંચવું પડે તેવી સ્થિતિ ઊભી કરી હતી. આખો ઘટનાક્રમ જોતા સ્પષ્ટ થાય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃટંકારામાં રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલઃ નાની મોટી વાતને દરગુજર કરજો