નિજ્જર વિવાદ: કેનેડાના વિપક્ષી નેતાએ ભારતને આપ્યું મજબૂત સમર્થન
- પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથેના સંબંધોનું મૂલ્ય સમજી શક્યા નથી:પિયરે પોઈલિવ્રે
- જેઓ હિંદુ મંદિરો પર હુમલો કરે છે અને મિલકતોમાં તોડફોડ કરનારાઓ સામે ફોજદારી કેસ દાખલ કરવા જોઈએ
ઓટાવાઃ કેનેડાના વિરોધપક્ષના નેતાએ ભારત અને ભારતીય સમુદાયના સમર્થનમાં નિવેદન કરતાં કેનેડાના રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ દરમિયાન ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આવી સ્થિતિમાં કેનેડાના વિપક્ષી નેતાનું નિવેદન ચર્ચામાં છે
જો હું વડાપ્રધાન બનીશ તો બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરીશ
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ છે.આવી સ્થિતિમાં કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિપક્ષી નેતા પિયરે પોઈલિવ્રે કહ્યું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથેના સંબંધોનું મૂલ્ય સમજી શક્યા નથી.
તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, જો તેઓ કેનેડાના વડાપ્રધાન બનશે તો બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરશે. અમારે ભારત સરકાર સાથે વ્યાવસાયિક સંબંધો બનાવવાની જરૂર છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. બે દેશો વચ્ચે મતભેદ હોય એ ઠીક છે પણ બંને વચ્ચેના સંબંધો વ્યાવસાયિક હોવા જોઈએ.
ટ્રૂડો અસમર્થ અને બિનવ્યાવસાયિક છે
વિપક્ષના નેતાને ભારતમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને પાછા બોલાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટ્રુડો પર આરોપ લગાવતા કહ્યું કે, તે અસમર્થ અને બિનવ્યાવસાયિક છે. આજે ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો સાથે કેનેડાના મતભેદો છે. કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડના સમાચાર પર તેમણે કહ્યું કે મને લાગે છે કે જેઓ હિંદુ મંદિરો પર હુમલો કરે છે અને મિલકતોમાં તોડફોડ કરનારાઓ સામે ફોજદારી કેસ દાખલ કરવા જોઈએ.
ગયા અઠવાડિયે ભારતે કેનેડાને 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત અને કેનેડા બંનેના રાજદ્વારીઓની સંખ્યા સમાન હોવી જોઈએ. અમે અગાઉ કહ્યું છે તેમ ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘણી વધારે છે અને તેઓ અમારા ઘરેલું મામલામાં હસ્તક્ષેપ કરે છે.આને ધ્યાનમાં રાખીને અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં તેમની સંખ્યા ઘટાડશે અને પાછા જશે.
આ પણ વાંચો, ભારતીય-અમેરિકન વિજ્ઞાની અશોક ગાડગીલને પ્રમુખ બાઈડેનના હસ્તે નેશનલ મેડલ એનાયત