જેલમાં કટ્ટરવાદ ફેલાવવાના મામલામાં NIAનું દેશવ્યાપી સર્ચ ઑપરેશન
નવી દિલ્હી, 05 માર્ચ: NIAએ બેંગલુરુ જેલમાં કેદીઓને કટ્ટરપંથી બનાવવાના કિસ્સામાં સાત રાજ્યોમાં 17 સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. બેંગલુરુ અને તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાં આજે સવારથી છાપેમારી ચાલી રહી છે. આ દરોડા આતંકવાદી ષડયંત્રમાં સંડોવાયેલા શકમંદો સાથે સંબંધિત છે. આ વર્ષે 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ બેંગલુરુ જેલમાં બંધ લશ્કર-એ-તૈયબા (LeT)ના કટ્ટરપંથી અને ‘ફિદાયીન’ હુમલો કરવાના કાવતરામાં આજીવન દોષિત અને બે ફરાર સહિત આઠ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
તમામ આરોપી સામે ચાર્જશીટ દાખલ
આરોપીમાં કેરળનો ટી નાસિર જે 2013થી બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે તેનો સમાવેશ થાય છે. આ સિવાય જુનૈદ ઉર્ફે જેડી અને સલમાન ખાન વિદેશ નાસી ભાગ્યો હોવાની આશંકા છે. અન્ય લોકોની ઓળખ સૈયદ સુહેલ ખાન, મોહમ્મદ ઉમર, ઝાહિદ તબરેઝ, સૈયદ મુદસ્સીર પાશા અને મોહમ્મદ ફૈઝલ રબ્બાની તરીકે કરવામાં આવી છે. તમામ આઠ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને આર્મ્સ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરાઈ છે.
શું છે સમગ્ર મામલો?
આરોપીઓના કબજામાંથી હથિયારો, દારૂગોળો, હેન્ડ ગ્રેનેડ અને વોકી-ટોકી જપ્ત કર્યા બાદ બેંગલુરુ સિટી પોલીસે 18 જુલાઈ, 2023ના રોજ કેસ નોંધ્યો હતો. NIAએ ઑક્ટોબર 2023માં આ કેસની તપાસ હાથ ધરી હતી. વર્ષ 2017માં આરોપી ટી. નાસિર અન્ય આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો. નાસિરે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં પાંચ લોકોને કટ્ટરપંથી બનાવ્યા હતા. કટ્ટરપંથી બનાવવા અને લશ્કરમાં ભરતી કરવાના ઉદ્દેશ્ય સાથે નાસિરે બધાને તેની બેરેકમાં લઈને આવ્યો હતો. જ્યાં બધા કટ્ટરવાદીઓ હુમલાનું ષડયંત્ર રચતા હતા.
લશ્કરની પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે તેણે સૌપ્રથમ જુનૈદ અને સલમાનને કટ્ટરપંથી બનાવવા અને ભરતી કરવામાં સફળ રહ્યો. ત્યારબાદ તેણે જુનૈદ સાથે મળીને અન્ય આરોપીઓને કટ્ટરવાદી બનાવવાનું ભરતી કાવતરુ ઘડ્યું હતું.
આ પણ વાંચો: ગૃહ મંત્રાલયે બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટની તપાસ NIAને સોંપી