પંજાબમાં થયેલા વિસ્ફોટમાં એક આરોપીની સંપત્તિ જપ્ત કરતું NIA
નવી દિલ્હી, 19 એપ્રિલ : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ વર્ષ 2021 દરમિયાન પંજાબમાં થયેલા વિસ્ફોટમાં સામેલ એક આરોપીની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આરોપીનો સંબંધ પાકિસ્તાનમાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે હતો. શુક્રવારે NIAએ એક સત્તાવાર નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. આ મામલો 15 સપ્ટેમ્બર 2021નો છે. જ્યારે જલાલાબાદમાં પંજાબ નેશનલ બેંકની શાખા પાસે બજાજ પ્લેટિના મોટરસાયકલમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બાઇક સવાર હુમલાખોરનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ પંજાબના સદર ફાઝિલ્કા પોલીસ સ્ટેશન હેઠળના મહાતમ નગર ગામના રહેવાસી સુરત સિંહ ઉર્ફે ‘સુરતી’ની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. વધુમાં સુરત સિંહના પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓ હબીબ ખાન ઉર્ફે ‘ડૉક્ટર’, એક હથિયાર અને ડ્રગ્સ સ્મગલર અને લખવીર સિંહ ઉર્ફે ‘રોડે’ સાથે સંબંધો હતા. ફેડરલ પ્રોબ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ખાન, લખવીર સિંહ, નિયુક્ત આતંકવાદી અને સુરત સિંહ એ નવ લોકોમાં સામેલ છે જેમની સામે NIAએ અત્યાર સુધી કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.
પીટીઆઈ અનુસાર, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરત સિંહની ઉક્ત મિલકતમાં ઘેવત નંબર 84/78, 93/87 અને 95/89નો સમાવેશ થાય છે, જેનું કુલ ક્ષેત્રફળ 13 કનાલ, 17 મરલા અને પાંચ સરસાઈ છે. મહત્વનું છે કે વિસ્ફોટના એક દિવસ બાદ 16 સપ્ટેમ્બર 2021ના રોજ પંજાબના ફાઝિલ્કાના સિટી જલાલાબાદ પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં 1 ઓક્ટોબર, 2021ના રોજ NIAએ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી.