ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માલેગાંવ કેસમાં NIA અદાલત દ્વારા સાધ્વી પ્રજ્ઞાસિંહ વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ જારી

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 11 માર્ચ: મુંબઈની NIA અદાલતે કાર્યવાહી દરમિયાન હાજર ન રહેવા બદલ BJP સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સામે રૂ. 10,000નું જામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે. વાસ્તવમાં સાધ્વી પ્રજ્ઞાને 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા માટે કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તબિયત સારી ન હોવાથી તેઓ કોર્ટ પહોંચ્યા ન હતા. કોર્ટે સાધ્વીની ગેરહાજરી અંગે વકીલ દ્વારા દાખલ કરાયેલા નાદુરસ્ત સ્વાસ્થ્યનું મેડિકલ સર્ટિફિકેટ ફગાવી દીધું હતું.

કોર્ટમાં હાજર ન થવા બદલ સાધ્વીને જામીનપાત્ર વૉરન્ટ જારી

સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ 10,000 રૂપિયાનું વૉરન્ટ જારી કરવામાં આવ્યું છે અને તેમને કોર્ટમાં આવીને જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાધ્વી પ્રજ્ઞા 20 માર્ચે કોર્ટમાં હાજર થશે અને તે પછી વોરંટ રદ થઈ જશે. જો કે, ગયા મહિને ન્યાયાધીશે પ્રજ્ઞા ઠાકુરને ચેતવણી આપી હતી કે જો તેઓ કોર્ટની કાર્યવાહીમાં હાજર નહીં રહે તો તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.

શું છે સમગ્ર મામલો?

નોંધનીય છે કે માલેગાંવમાં 29 સપ્ટેમ્બર 2008ની રાત્રે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ મોટરસાઈકલ બોમ્બ વિસ્ફોટમાં છ લોકોનાં મૃત્યુ થયા હતા. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે 101 લોકો ઘાયલ થયા હતા. આ કેસની સુનાવણી સ્પેશિયલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટમાં ચાલી રહી છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આ કેસમાં મુખ્ય શકમંદોમાંના એક છે, કારણ કે તે તેમની મોટરસાઇકલ હતી જેના પર બોમ્બ મૂકવામાં આવ્યો હતો.

બીજી તરફ, પ્રજ્ઞા સાધ્વીએ રાજકીય કારકિર્દીમાં ઘણા એવા વિવાદિત નિવેદનો આપ્યાં છે, જેથી ભાજપે પણ તેમનાથી દૂરી બનાવીને રાખી છે. એટલું જ નહીં, ભાજપે જાહેર કરેલી આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના 195 ઉમેદવારોની યાદીમાંથી તેમનું નામ પણ ગાયબ છે.

આ પણ વાંચો: ‘મોદીજીને કદાચ મારા શબ્દો ગમ્યા નહીં હોય’, ટિકિટ કપાયા બાદ સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન

Back to top button