કેરળમાં ટ્રેનમાં આગ લગાડનાર શાહરૂખ સામે NIAની ચાર્જશીટ
- કોઝિકોડ ટ્રેનમાં આગ લગાડવાનો કેસ જેહાદી કૃત્ય
- કટ્ટરવાદી આરોપી સામે NIAએ કોર્ટમાં ચાર્જશીટ કરી દાખલ
- અકસ્માતમાં એક બાળક સહિત ત્રણના થયા હતા મૃત્યુ
કેરળ : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ટીમે શનિવારે(30 સપ્ટેમ્બરે) કોચીની વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં તપાસ ટીમે મુખ્ય આરોપી સામે UAPA અધિનિયમ અને જાહેર સંપત્તિના વિનાશ હેઠળ આરોપો લગાવ્યા છે. જેમાં દિલ્હીના વતની શાહરૂખ સૈફીનું મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. NIA મુજબ, સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરવાદ તરફ આકર્ષિત થયેલા આરોપીએ જેહાદી કૃત્ય તરીકે ગુનાનું કાવતરું ઘડ્યું હતું. ચાર્જશીટમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આરોપીએ એકલા હાથે ગુનો કર્યો હતો.
NIAને જાણવા મળ્યું કે, શાહરૂખ સૈફી પાકિસ્તાન જેવા દેશોના વિવિધ ધાર્મિક નેતાઓના વીડિયો જોયા બાદ કટ્ટરવાદ અને ઉગ્રવાદ તરફ આકર્ષાયો હતો. કોઈ તેને ઓળખી ન જાય તે વિચારીને તેણે ગુનાને અંજામ આપવા માટે કેરળની પસંદગી કરી હતી. અગાઉ, કોઝિકોડ પોલીસની વિશેષ તપાસ ટીમે પણ શોધી કાઢ્યું હતું કે, આરોપી અત્યંત કટ્ટરપંથી હતો અને કટ્ટરપંથી વીડિયો જોવાની તેની ટેવ પર ધ્યાન દોર્યું હતું…
NIA CHARGESHEETS SELF-RADICALISED ACCUSED IN KOZHIKODE TRAIN ARSON CASE IN KERALA pic.twitter.com/Y1TFSboFDT
— NIA India (@NIA_India) September 30, 2023
ટ્રેનમાં આગ લાગતાં નવ લોકો દાઝ્યા હતા તો એક બાળક સહિત ત્રણના થયા હતા મૃત્યુ
2 એપ્રિલ, 2023ના રોજ જ્યારે ટ્રેન કોઝિકોડના ઇલાથુર પાસે કોરાપુઝા પુલ પર પહોંચી ત્યારે શાહરૂખ સૈફીએ ચાલતી અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો પર પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી હતી. હુમલાખોરથી ભાગતી વખતે નવ લોકો દાઝી ગયા હતા અને એક બાળક સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ઘટનાસ્થળેથી ભાગી ગયેલા આરોપીની મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા બે દિવસ પછી રત્નાગીરીથી ધરપકડ કરવામાં આવી હતી. કોઝિકોડ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ કેસમાં આરોપી વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવ્યો છે. NIAએ આ કેસમાં કથિત આતંકવાદી કડીની તપાસ માટે તારીખ 18 એપ્રિલે આ કેસની તપાસ હાથ ધરી હતી.
આરોપીઓ પર ક્યાં ગુન્હાઓ લગાવાયા ?
નવી દિલ્હીના શાહીનબાગનો રહેવાસી આરોપી શાહરૂખ સૈફી પર IPC સહીત વિવિધ કલમો હેઠળ ગુન્હાઓ લગાવવામાં આવ્યા છે. તેના પર 2જી એપ્રિલ, 2023ના રોજ અલપ્પુઝા કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના D1 કોચને આગ લગાડીને આતંકવાદી કૃત્ય આચરવાનો આરોપ છે. NIAની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસના એકમાત્ર આરોપી સૈફીએ મુસાફરો પર પેટ્રોલ ફેંક્યું અને છાંટ્યું હતું. લોકોને મારવાના ઈરાદા સાથે લાઈટર વડે બોગીમાં આગ લગાવી હતી.
NIA તપાસ દર્શાવે છે કે, સૈફીએ આતંક અને આગચંપી સાથે સંકળાયેલા કૃત્ય માટે કેરળની પસંદગી કરી હતી કારણ કે તે તેના કટ્ટરવાદી કૃત્યને એવા સ્થળે કરવા માંગતો હતો જ્યાં તેને ઓળખવામાં ન આવે. સામાન્ય લોકોના મનમાં આતંક પેદા કરવાના હેતુથી આ કૃત્ય કર્યા પછી સામાન્ય જીવનમાં પાછા ફરવાનો તેનો ઈરાદો હતો.