ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રોહિંગ્યાઓની ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા 47 દલાલો ઝડપાયા

  • NIAને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં દલાલો- વચેટિયાઓ દ્વારા મદદ કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી
  • વચેટિયાઓ માત્ર ભારત-બાંગ્લાદેશ સરહદની બંને બાજુએ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને આસામ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં રોહિંગ્યાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવામાં મદદ કરવા બદલ 47 દલાલોની ધરપકડ કરી છે. ભારતમાં રોહિંગ્યાઓની ગેરકાયદેસર ઘૂસણખોરી શરૂઆતથી જ મોટો મુદ્દો રહ્યો છે. હજારો રોહિંગ્યાઓ ભારતના વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહે છે. હવે આ ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા માટે એજન્સીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી હતી

અહેવાલો અનુસાર આસામના સ્પેશિયલ ડીજીપી હરમીત સિંહે કહ્યું હતું કે, સાવચેતીપૂર્વક આયોજન કર્યા પછી NIA અને આસામ પોલીસ દ્વારા વિવિધ રાજ્ય પોલીસ દળોના સહયોગથી 8 નવેમ્બરની સવારે દેશવ્યાપી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 47 દલાલો અને વચેટિયાઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાંથી 25 ત્રિપુરાના, 5 આસામના, 3 પશ્ચિમ બંગાળના, 9 કર્ણાટકના, 1 હરિયાણા અને 1 તેલંગાણાના અને 3 તમિલનાડુના છે.

ભારત-બાંગ્લાદેશ સરહદેથી ઘૂસણખોરી

આસામ પોલીસે કહ્યું છે કે, ફેબ્રુઆરી 2023માં કરીમગંજ પોલીસને કરીમગંજ રેલવે સ્ટેશન પર ત્રિપુરાથી આવી રહેલી ટ્રેનમાં રોહિંગ્યાઓનું એક જૂથ મળ્યું હતું. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, ગેરકાયદે રોહિંગ્યાઓ અને ઘૂસણખોરો ભારત-બાંગ્લાદેશ સરહદેથી ભારતમાં પ્રવેશી રહ્યા છે. આ ઘટના બાદ આસામ પોલીસે તકેદારી અને કામગીરી વધારી જેના પરિણામે 450 ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ (રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ)ને સીમા સુરક્ષા દળોની મદદથી રોકવામાં આવ્યા હતા.

નેટવર્કને ખતમ કરવાની ઝુંબેશ

પોલીસે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ગેરકાયદેસર વસાહતીઓને ભારતમાં ઘૂસણખોરીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા દલાલો-વચેટિયાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી હતી. આ વચેટિયાઓ માત્ર ભારત-બાંગ્લાદેશ સરહદની બંને બાજુએ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છે. આ કારણોસર પોલીસે વચેટિયાઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં આસામ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે જુલાઈ 2023માં ઓપરેશન શરૂ કર્યું હતું અને આવા 10 દલાલોની ધરપકડ કરી હતી.

ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા ચિંતા

પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે વચેટિયાઓનું નેટવર્ક સમગ્ર ભારતમાં અસ્તિત્વમાં છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર બાબત છે. આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે આસામનો કોરિડોર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે હકીકતને ધ્યાનમાં રાખીને આસામ સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયને આ કેસ NIAને ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી. આ પછી આસામ પોલીસ અને NIAએ મળીને આ મોટું પગલું ભર્યું છે.

આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ TRFના આતંકવાદીને ઠાર કર્યો

Back to top button