સુરતમાં NIA અને ATSના ધામા – ભાગળ તળાવ વિસ્તારમાં દેશ વિરોધી કૃત્યની આશંકા, એક મૌલાનાની અટકાયત
સુરતઃ ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે. આજે સવારે શહેરના ભાગળ તળાવ વિસ્તારમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ સુરત પહોંચી હતી. જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
સુરતના યુવકનું નામ ખૂલતા કાર્યવાહી
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં સુરતના યુવકનું નામ ખૂલતા ATS અને NIAની ટીમે તેની પૂછપરછ હાથ ધરી છે.
દેશ વિરોધી કાવતરામાં મૌલાનાની સંડોવણીની શંકા
ભાગા તળાવ વિસ્તારમાં રહેતા એક મૌલાનાની અટક કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. મૌલાના દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી કૃતિઓ માટે ઉશ્કેરવામાં આવતા હોવાની વાત મળી રહી છે. તેમની પાસેથી કેટલાક એવા દસ્તાવેજ પણ મળી શકે છે. જેનાથી તેઓ દેશ વિરોધી કૃત્ય માટેના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી, પરંતુ NIA અને ગુજરાત ATSની ટીમ દ્વારા મૌલાનાએ ભૂતકાળમાં કરેલી કેટલીક ગતિવિધિઓના પણ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.
NIA અને ATS પાસે મોલાના વિરુદ્ધ પુરાવા: સૂત્ર
વહેલી સવારે NIAની ટીમ અને ગુજરાત ATSની ટીમ દ્વારા મૌલાનાની દેશ વિરોધી કાવતરામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેમના વિરોધમાં જેટલા પુરાવા મળ્યા છે, તેના આધારે એટીએસ દ્વારા તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી કાવતરામાં સંદિગ્ધતા હોવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આ મામલે અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.