ISIS વિરૂધ્ધ NIAની કાર્યવાહી, કર્ણાટક-મહારાષ્ટ્રમાં 44 સ્થળો પર દરોડા

- રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી સંગઠન ISIS વિરુદ્ધ ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે.
- કર્ણાટક અને મહારાષ્ટ્રના અનેક શહેરોમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
- NIA ભારતમાં આતંક ફેલાવવા માટે ISIS વિરુદ્ધ ષડયંત્રની તપાસ કરી રહી છે.
નવી દિલ્હી, 09 ડિસેમ્બર: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી સંગઠન ISIS વિરુદ્ધ 41 સ્થળો પર દરોડા પાડવાની શરૂઆત કરી છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અગાઉથી પકડાયેલા આતંકવાદીઓના પગેરા પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. NIA ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદી ષડયંત્ર કેસની તપાસ કરી રહી છે. પુણે, થાણે ગ્રામીણ, થાણે શહેર અને મીરા ભાયંદર તેમજ કર્ણાટકના કેટલાક સ્થળો સહિત મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
NIAના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, તપાસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન સાથેનું એક મોટું ષડયંત્ર બહાર આવ્યું છે, જેમાં વિદેશ સ્થિત ISIS હેન્ડલર્સ પણ સામેલ છે. તપાસમાં એવા લોકોના જટિલ નેટવર્કનો ખુલાસો થયો છે જેઓ ભારતમાં ISISની ઉગ્રવાદી વિચારધારાને ફેલાવવા માટે સમર્પિત છે.
કર્ણાટક-મહારાષ્ટ્રમાં આ સ્થળો પર દરોડા પાડ્યા
આ નેટવર્કે ISISના સ્વ-ઘોષિત ખલીફા (નેતા) પ્રત્યે વફાદારીના શપથ લીધા હતા, જેને કથિત રીતે બેથ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તપાસમાં આ નેટવર્કની ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IEDs)ના ઉત્પાદનમાં સામેલ હોવાના પુરાવા મળ્યા છે. આજે સવારથી 44 સ્થળોએ દરોડા પાડીને એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં 1, પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં 9 અને ભાયંદરમાં 1 જગ્યાએ સર્ચ કર્યું છે.
NIAએ પુણેથી ધરપકડ કરી છે
અહેવાલો અનુસાર, આ ગતિવિધિઓ પાછળનો ઈરાદો ભારતની ધરતી પર આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો. આ દરોડા પાડીને અને આતંકવાદી ષડયંત્રના આ કેસને ઉકેલવાથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે NIA આતંકવાદનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. NIAએ કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. એજન્સીએ અગાઉ મહારાષ્ટ્ર એટીએસની મદદથી 7 થી 8 લોકોની ધરપકડ કરી છે. પડઘા ગામ NIAના રડાર પર હતું. પૂણેમાં મળી આવેલા આતંકવાદી કેસ બાદ પડઘા ગામમાંથી બેથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ આજની કાર્યવાહીમાં વધુ કેટલાક લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચો, ઉત્તરી ઇરાક યુનિવર્સિટીની ડોર્મિટરીમાં આગ લાગવાથી 14 વિદ્યાર્થીઓના મૃત્યુ, 18 ઘાયલ