નેશનલ હાઇવેે ઓથોરીટીના ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રા સહિત છ લોકોને સીબીઆઇ એસીબીની વીંગ દ્વારા રૂ. ૧૦ લાખની લાંચ લેવાના કેસમાં ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં કુડાસણ ખાતેના તેમના નિવાસસ્થાને તપાસ દરમિયાન ૨૦ લાખની રોકડ મળી આવી હતી. આ ઉપરાત, પરિવારના નજીકના સભ્યોના નામે તેમજ અન્ય લોકોના નામે લાખો રૂપિયાના રોકાણને લગતા પુરાવા પણ સીબીઆઇને હાથ લાગ્યા છે.
અગાઉ પણ લાખોનો વહીવટ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું, તપાસ શરૂ
આ સાથે જ સીબીઆઇને ખાનગી કંપનીના મળતીયા ટી પી સિંઘની પુછપરછમાં તેણે દિગ્વિજય મિશ્રા સાથે અગાઉ પણ લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કર્યાનું ખુલ્યું છે. જે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
મિશ્રા અને સંબંધીના નામે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લાખો રૂપિયાના રોકાણ
સીબીઆઇના સુત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઇવે ઓથોરીટીના ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાની રૂપિયા ૧૦ લાખની લાંચ લેવાના કેસમાં અનેક મોટા ખુલાસા થયા છે.
જેમાં દિગ્વિજય મિશ્રાએ ગુજરાત , રાજસ્થાન અને દિલ્હીમાં લાખો રૂપિયાના રોકાણ તેમના સગાઓ અને મિત્રોના નામે કર્યા હતા. આ માટે તેણે કેટલાંક વચેટિયાઓને પણ રાખ્યા હતા. જે કાળા નાણાંના રોકાણને કાયદેસરમાં કન્વર્ટ કરવામાં પણ મદદ કરતા હતા. જ્યારે ખાનગી કંપની સાથે જોડાયેલા ટી પી સિંઘ તેની કંપની ઉપરાંત, અન્ય કંપનીઓ માટે પણ તે દિગ્વિજય મિશ્રા સાથે કામ કરતો હતો.
સોમવારે મિશ્રાના ૧૦થી વધુ બેંક એકાઉન્ટ અને લોકર અંગે પણ તપાસ
સીબીઆઇએ આ માટે દિગ્વિજય મિશ્રા, ટી પી સિંઘના મોબાઇલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટરને ફોરેન્સીક તપાસ માટે જમા લીધા છે. તેમજ વોટ્સએપ મિશ્રા અને ટી પી સિંઘની વાતચીતના પુરાવા પણ મળ્યા છે. સાથેસાથે એવી પણ માહિતી મળી છે કે મિશ્રાને ત્યાંથી જપ્ત કરાયેલા ૨૦ લાખની રોકડ પણ ટી પી સિંઘ દ્વારા જ આપવામાં આવી હતી. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સોમવારે સીબીઆઇ દિગ્વિજય મિશ્રાના ૧૦થી વધુ બેંક એકાઉન્ટ અને લોકર અંગે પણ તપાસ કરશે. જેમાં અનેક વિગતો બહાર આવી શકે તેમ છે.