FASTag એન્યુઅલ પાસ ખરીદતા પહેલા સાવધાન! NHAI એ ફેક વેબસાઈટ અને છેતરપિંડી અંગે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હીઃ 9 જાન્યુઆરી, 2026: જો તમે પણ તમારા વાહન માટે FASTag Annual Pass ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તેને રિન્યુ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. NHAI એ તાજેતરમાં એક મોટી છેતરપિંડી (Fraud) અંગે ચેતવણી જારી કરી છે, જેમાં નકલી વેબસાઇટ્સ અને અનધિકૃત લિંક્સ દ્વારા વાહન માલિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
શું છે આ નકલી પાસનું કૌભાંડ?
NHAIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક ફેક ઓનલાઇન પ્લેટફોર્મ અને લિંક્સ “એન્યુઅલ પાસ” વેચવાનો દાવો કરે છે. આ પ્લેટફોર્મ્સ આકર્ષક ઓફર્સ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. જો તમે આ ખોટી લિંક્સ પર ભરોસો કરો છો, તો તમારા ₹3,000 તો જશે જ, પણ સાથે સાથે તમારી વ્યક્તિગત વિગતો અને વાહનની માહિતીનો દુરુપયોગ થવાનું જોખમ પણ વધી જાય છે.
FASTag એન્યુઅલ પાસ શું છે?
NHAI એ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર વારંવાર મુસાફરી કરતા ખાનગી વાહનો માટે આ સુવિધા રજૂ કરી છે:
- ફી: ₹3,000 (એક વખતની ચુકવણી).
- મર્યાદા: આ પાસ હેઠળ વાહન માલિક એક વર્ષ અથવા 200 ટોલ (જે વહેલું પૂરું થાય તે) સુધી ટોલ ટેક્સ વગર મુસાફરી કરી શકે છે.
નોંધનીય છે કે, આ પાસ ટીકરી અને અમુક ખાનગી એક્સપ્રેસવે પર લાગુ પડતો નથી, તેથી મુસાફરી કરતા પહેલા લિસ્ટ ચેક કરવું જરૂરી છે.
ક્યાંથી ખરીદવો પાસ?
છેતરપિંડીથી બચવા માટે NHAI એ સ્પષ્ટ કર્યું છે કે એન્યુઅલ પાસ માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જ મેળવવો જોઈએ. જેમાં Rajmargyatra App અને સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવો. પાસ એક્ટિવેટ થતા જ સત્તાવાર SMS મળશે.
સ્કેમથી કેવી રીતે બચશો?
ઘણા યુઝર્સે ઓનલાઈન અનુભવો શેર કર્યા છે કે, ફેક લિંક્સ પર પેમેન્ટ કર્યા પછી પાસ એક્ટિવેટ થતો નથી. જો ઓફિશિયલ એપ પર પેમેન્ટ પેજ ફ્રીઝ થઈ જાય અથવા ‘VAHAN’ ડેટાબેઝમાં વાહનની વિગતો ન મળે, તો ઉતાવળમાં કોઈ પણ અજાણી લિંક પર પેમેન્ટ ન કરો. હંમેશા સત્તાવાર સ્ત્રોતની જ ચકાસણી કરો.












