ગુજરાતમાં ગરમી મામલે આવ્યા રાહતના સમાચાર

- વડોદરા અને ડીસામાં 43 ડિગ્રી તાપમાન રહ્યું છે
- ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 44.4 ડિગ્રી રહ્યું
- અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકને કારણે દાખલ બે દર્દીનાં મૃત્યુ થયા
ગુજરાતમાં ગરમી મામલે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 44.4 ડિગ્રી રહ્યું છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન 1થી 2 ડિગ્રી ઘટ્યું છે. ગાંધીનગરમાં 44.2, વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગરમીના કારણે સાંજના સમયે હીટસ્ટ્રોકના કેસ વધુ આવે છે. સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હીટવેવની આગાહી છે.
વડોદરા અને ડીસામાં 43 ડિગ્રી તાપમાન રહ્યું છે
ઉલ્લેખનીય છે કે કંડલામાં 43.7 ડિગ્રી, વડોદરા અને ડીસામાં 43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, રાજકોટમાં 41.6 ડિગ્રી તેમજ આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. કાલથી તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેશે. મે મહિનાનો છેલ્લો સપ્તાહ પસાર થઈ રહ્યો છે અને આ સાથે જ ગરમીએ તેનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ સમયે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર એશિયાઈ દેશો જ નહીં પરંતુ પશ્ચિમી દેશો અને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત એન્ટાર્કટિકા પણ આ ભીષણ ગરમીથી પ્રભાવિત થઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકને કારણે દાખલ બે દર્દીનાં મોત થયા
અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકને કારણે દાખલ બે દર્દીનાં મૃત્યુ થયા છે. આ દર્દી સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે દાખલ હતા. હીટસ્ટ્રોકના કારણે એક દિવસમાં બે દર્દીઓનાં મોત નીપજ્યા છે. 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 35 અને 55 વર્ષીય દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. એક દર્દીને 104 ડિગ્રી તો બીજા દર્દીને 105 ડિગ્રી તાવ સાથે દાખલ કરાયો હતો. હાલ 41 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 10ની હાલત ગંભીર છે. અમદાવાદમાં હીટસ્ટ્રોકના કેસ માટે નવો વોર્ડ તૈયાર કરાયો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ ઉભો કરાયો છે. ગરમી વધતા દર્દીઓનો ધસારો વધ્યો હતો. સ્થિતિને જોતા તાત્કાલિક અન્ય વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે. સતત 2 દિવસથી હિટસ્ટ્રોકના કેસો વધી રહ્યા છે. લૂ લાગવા, માથાના દુ:ખાવા, બેભાન થવાના લક્ષણો જોવા મળી રહ્યા છે.