ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પેટ્રોલ કે ગેસની અછત નથી, લાઈનમાં ઊભા ન રહો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈ શોર્ટેજ નથી તેમ પણ જણાવ્યું છે

Gujarat News: ગુજરાતમાં હાલ અફવાઓનું બજાર ગરમ છે. પહેલા ગેસના સિલિન્ડરો માટે લોકોએ લાંબી લાઈનો લગાડી તો હવે પેટ્રોલ માટે ડર ઉભો કરી રહ્યા છે. સોમવારથી ગુજરાતના મોટાભાગના પેટ્રોલપંપો પર લોકોની કેટલાય કિલોમીટર લાંબી લાઈનો દેખાઈ રહી છે. અફવાઓને કારણે લોકો ગભરાઈ ગયા છે અને પોતાના વાહનોમાં ઈંધણની ટાંકી ફૂલ કરાવવા માટે કલાકો ઉભા લાઈનમાં ઉભા રહે છે. ત્યારે આ પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈ શોર્ટેજ નથી તેમ પણ જણાવ્યું છે. આ સાથે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પણ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ જાતની અફવાઓમાં ન આવશો.

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સુગમ ડિજિટલ ગુજરાત પહેલના અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન સમયે તેમણે ગુજરાતીઓને અપીલ કરી છે કે કોઈપણ જાતની અફવાઓમાં દોરાઈને ગેસ-પેટ્રોલની લાઈનોમાં ઊભા રહીને તમારો સમય ન બગાડો. ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈ શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે અને આગળ પણ મળી રહેવાનું પણ છે. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ તેવી પ્રાર્થના.

જ્યારે જરૂર હોય ત્યારે જ પેટ્રોલ પુરાવા જાવઃ ઋષિકેશ પટેલ

ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતીઓને અપીલ કરી છે. તેમણે અપીલ કરતા જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ તંગી નથી. જેને જ્યારે અને જેટલું જોઈએ તેટલું બધું જ મળશે. અફવા ફેલાવવાળાથી આપણે સાવધાન રહેવાનું છે. આપ સૌને વિનંતી છે કે ગુજરાતની કોઈપણ જનતાને પુરવઠા બાબતે કોઈ મુશ્કેલી પડે તેમ નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. ડરવાની કોઈ જરૂર નથી. જ્યારે જરૂર હોય ત્યારે જ પેટ્રોલ-ડીઝલ ભરાવવા જવાની મારી ગુજરાતના નાગરિકોને અપીલ છે.

પૂરતી માહિતી વગર મેસેજ ફોરવર્ડ ન કરવાઃ હર્ષ સંઘવી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોમવારે જનતાને અપીલ કરી હતી કે હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા કે વોટ્સએપ ઉપર આવેલી અફવાથી દોરવાઈને કોઈપણ પ્રકારની ભાગદોડ કરવાની જરૂર નથી. રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા સપ્લાયનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે. રાજ્યના તમામ પેટ્રોલ પમ્પો ઉપર પૂરતી સંખ્યામાં પેટ્રોલ-ડીઝલ મળી રહે તે માટે પૂરતી તૈયારી છે. આ સાથે સંઘવીએ લોકોને પૂરતી માહિતી વગર સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરવા તથા ફોરવર્ડ નહીં કરવા અપીલ કરી હતી. ગુજરાત રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી નથી અને તેનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેમ જ જરૂરિયાત મુજબનો બફર સ્ટોક પણ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતાઃ PM મોદીનું રાજ્યસભામાં સંબોધન

Back to top button