ન્યુઝીલેન્ડના સાંસદે પારંપરિક નૃત્ય કરીને ભાષણ આપતાં સંસદ હચમચી ગયું, જુઓ વિડીયો
- 21 વર્ષના યુવા સાંસદના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- સંસદમાં માઓરી સંસ્કૃતિનું નૃત્ય ‘હકા’ રજૂ કરતી વખતે સાંસદ હાનાએ પોતાનો મુદ્દો ઉઠાવ્યો
ન્યુઝીલેન્ડ, 6 જાન્યુઆરી : ન્યુઝીલેન્ડના 21 વર્ષના યુવા સાંસદના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાના-રાઓહિતી-માપી-ક્લાર્ક નામની મહિલા સાલ સાંસદ ન્યુઝીલેન્ડના 170 વર્ષના ઈતિહાસમાં સંસદની સૌથી યુવા સભ્ય છે. તેમણે માઓરી લોકોની ભાષામાં ભાષણ આપ્યું હતું, જે પછી આ ભાષણ ચર્ચાનો વિષય બની ગયું છે. તેમણે સંસદમાં માઓરી સંસ્કૃતિનું નૃત્ય ‘હકા’ રજૂ કરતી વખતે પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, માઓરી ન્યુઝીલેન્ડની આદિવાસીઓમાંથી એક છે. તેમની ભાષા લગભગ લુપ્ત થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ હેરાલ્ડ અનુસાર, યુવા સાંસદ માઓરી લોકોની ભાષા અને અધિકારોની સુરક્ષા માટે લડી રહ્યા છે. ‘હકા’ એક યુદ્ધ ગીત છે જે પૂરતી શક્તિ અને અભિવ્યક્તિઓ સાથે રજૂ કરવામાં આવે છે.
View this post on Instagram
થોડા દિવસો પહેલા યુવા સાંસદે ન્યુઝીલેન્ડની સંસદમાં ભાષણ આપ્યું હતું, જેમાં હાનાએ માઓરી ભાષામાં કહ્યું હતું કે, “હું તમારા માટે મારો જીવ આપવા તૈયાર છું અને હું તમારો જીવ બચાવવા પણ તૈયાર છું.” માઓરી ભાષામાં હાનાના ભાષણને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.
માઓરી જાતિના વિદ્યાર્થીઓ પ્રગતિ કરી રહ્યા નથી : યુવા સાંસદ
ન્યુઝીલેન્ડના યુવા સાંસદ હાનાએ કહ્યું કે, માઓરી જાતિના વિદ્યાર્થીઓ પ્રગતિ કરતા નથી કારણ કે તેમને તેમની ભાષામાં અભ્યાસ કરવાની તક મળતી નથી. હાનાએ પોતાના ભાષણમાં માઓરી લોકોને આશાનો સંદેશ આપ્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે, માઓરીઓએ તેમની માતૃભાષા શીખવા માટે હવે કોઈ તકલીફ સહન કરવી પડશે નહીં.
સાંસદ માઓરી ભાષાના રક્ષક
21 વર્ષીય સાંસદ ઓકલેન્ડ અને હેમિલ્ટન વચ્ચેના નાના શહેર હંટલીમાં રહે છે. ત્યાં તેઓ માઓરી કોમ્યુનિટી ગાર્ડનમાં માઓરી બાળકોને બાગકામ શીખવે છે. હાના માઓરી આદિવાસી અધિકાર સંગઠન નાગા તમાતાના પણ સભ્ય છે. તેમના દાદા પણ આ સંસ્થાના સભ્ય હતા. બ્રિટિશ મીડિયા ધ ગાર્ડિયન અનુસાર, સાંસદ હાના પોતાને રાજનેતાની જગ્યાએ માઓરી ભાષાની રક્ષક માને છે. હાના માને છે કે, માઓરીની નવી પેઢીના અવાજને વૈશ્વિક મંચ પર લાવવાની જરૂર છે.
આ પણ જુઓ :કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા જજ પર આરોપીનો હુમલો, જુઓ વીડિયો