ન્યૂઝીલેન્ડ શ્રીલંકાને હરાવી ટોપ પર પહોંચ્યું : ગ્લેન ફિલિપ્સે ફટકારી વર્લ્ડ કપની બીજી સદી
T20 વર્લ્ડ કપ ગ્રુપ-1ની મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 65 રને હરાવ્યું છે. કિવી કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં તેની ટીમે 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા, જેમાં ન્યૂઝીલેન્ડનાં બેટર ગ્લેન ફિલિપ્સે સદી ફટકારી હતી.
આ પણ વાંચો :હવે શું પાકિસ્તાન નહીં પહોંચી શકે સેમિફાઈનલમાં ? જાણો શું છે ગણિત
ગ્લેન ફિલિપ્સે ફટકારી વર્લ્ડ કપની બીજી સદી
નંબર-4 પર બેટિંગ કરવા ઊતરેલા ગ્લેન ફિલિપ્સે 64 બોલમાં 104 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 162.50 હતો. આ વર્લ્ડ કપની આ બીજી સદી છે. પ્રથમ સદી દક્ષિણ આફ્રિકાના રિલે રુસોએ બાંગ્લાદેશ સામે ફટકારી હતી. શ્રીલંકા તરફથી કસૂન રાજિતાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. તે જ સમયે, મહેશ તિક્ષાના, ધનંજય ડી સિલ્વા, હસરાંગા અને લાહિરુ કુમારાને એક-એક સફળતા મળી.
ટ્રેન્ટ બોલ્ટે લીધી 4 વિકેટ
લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની ટીમ 19.2 ઓવરમાં 102 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ રન દાસુન શનાકા અને ભાનુકા રાજપક્ષે બનાવ્યા હતાં બંને બેટરોએ અનુક્રમે 35 અને 34 રન બનાવ્યા હતાં. આ સિવાય બાકીનાં શ્રીલંકન બેટરો ડબલ ડીજિટમાં પણ રન બનાવી શક્યાં નહોતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 4 વિકેટ લીધી છે. આ સાથે જ મિશેલ સેન્ટનરના ખાતામાં 2 વિકેટ આવી છે. ટિમ સાઉથી, ઈશ સોઢી અને લોકી ફર્ગ્યુસને 1-1 વિકેટ લીધી હતી.
નંબર 1 પર પહોંચી ન્યુઝીલેન્ડ
આ જીત સાથે ન્યુઝીલેન્ડ હવે સેમિફાઈનલ રેસમાં વધુ આગળ વધી ગઈ છે. ન્યુઝીલેન્ડ ટીમ 5 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપમાં નંબર 1 પર છે. આ સાથે જ શ્રીલંકાની ટીમના માત્ર 2 પોઈન્ટ છે અને તે 5 માં સ્થાને છે. તેથી હવે શ્રીલંકાની ટીમની હાલત પણ પાકિસ્તાન જેવી થઈ ગઈ છે, હવે શ્રીલંકાને જો સેમિફાઈનલમાં પહોંચવુ હોય તો તેને આગામી બધી જ મેચો જીતવી પડશે અને તેમ છતાં પણ તેને બીજી ટીમોનાં ભરોસે રેહવું પડશે.