ગુજરાતમધ્ય ગુજરાત

ગોધરામાં પિતા-પુત્રી તળાવમાં ડૂબવાની ઘટનામાં નવો વળાંકઃ 3 ચિઠ્ઠીએ ભેદ ખોલ્યો

ગોધરા, 22 ફેબ્રુઆરી 2024, તાલુકાના ભામૈયા પશ્ચિમના તળાવમાં પિતા, પુત્રીના ડુબી જવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં જમીન સંપાદનના આવેલા 9 કરોડની માહિતી બે ઇસમોને મળતા તેઓ પૈસા કઢાવવા માટે વારંવાર બ્લેકમેઇલ કરી ખંડણી માગતા આખરે કંટાળીને પિતાએ 3 ચિઠ્ઠી લખીને પુત્રી સાથે તળાવમાં આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મંદિરમાં શોધખોળ કરતા 3 ચીઠ્ઠઓ મળી
ગોધરાના ભામૈયા ગામે રહેતા બળવંતસિંહ ઠાકોર અને તેમની પુત્રીનું ગામના તળાવમાં ડુબી જવાથી મૃત્યુ થયા હોવાની જાણવાજોગ ફરિયાદ પોલીસ મથકે નોધાઇ હતી. પરંતુ આત્મહત્યા કરતા પહેલા બળવંતસિંહે તેમના ભત્રીજા અભિજીતસિંહ ઠાકોરને ફોન કરીને કહ્યુ કે મહાદેવ મંદિરના પાછળના ભાગમાં મંદિરના હિસાબ કિતાબ લખી ચિઠ્ઠીઓ મુકેલ છે તું અને સુનિલ બંને જોઇ લેજો તેમ કહીને બળવંતસિંહે ફોન કાપી નાખ્યો હતો. મૃતકના અંતિમ સંસ્કાર થયા બાદ ઘરના સભ્યોને ભત્રીજાએ ચિઠ્ઠીની વાત કરતા સભ્યો મંદિરમાં ચિઠ્ઠીની શોધખોળ કરતા 3 ચિઠ્ઠીઓ મળી આવી હતી.

પૈસાની માંગ કરીને ત્રાસ આપતાં આ પગલું ભર્યું
પહેલી ચિઠ્ઠી જણાવામાં આવ્યું હતું કે, મારે પ્રંસગ બગાડવાનો કોઈ હેતુ ન હતો પણ મારા પર સંકટ આવતા આ પગલું ભર્યું છે. હાર્દિક નામનો ઇસમ ઘરે આવતો અને પૈસાની માંગણી કરતો જેથી ભારે સંકટ હોવાથી મેં આ પગલું ભર્યું છે. જો મે પૈસા ન આપ્યા હોત તો નાના ભાઈને આપવા પડત. લારી પર આવીને ધમકી પણ આપી હતી. બીજી ચિઠ્ઠીમાં જણાવ્યું હતું કે, હાર્દિક અને ગુગલાભાઈએ મારા દુશ્મન નથી. પરંતુ મગનભાઈ સુંદરભાઇ વણકર પાસે મારી જમીન સંપાદન કચેરી ગોધરા સને-1994નો પત્ર હતો. તે હાર્દિક પાસે આવતા જ તેને પુરેપુરી માહીતી મેળવ્યા બાદ મને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યું. મગનભાઇ દરભાઇનો ફોન હાર્દિક પાસે છે અને હાર્દિકનો ફોન મગન પાસે છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં હાર્દિકના મારા ઉપર દસ ફોન આવ્યા તથા રૂબરૂ ધમકી પણ આપી હતી.

જમીન મારી હતી તેવો કોઇને પણ ખ્યાલ ન હતો
ત્રીજી ચિઠ્ઠીમાં કહ્યું હતું કે, ભામૈયાના અને ગોધરા ખાતે રહેતા મગનભાઇ સુંદરભાઇ વણકરે મારી પાસે છ મહિના પહેલા FCI ગોડાઉન ભામૈયામાં જમીન સંપાદન કરી હતી તેની કોપી મારી પાસે માગી હતી. જેથી મેં તેમને 1994ની સાલની જમીન સંપાદન કચેરીનો પત્ર આપ્યો હતો. ત્યાર બાદ ગોધરામાં કાળુસિંહ કોદરસિંહ ઠાકોરની જમીન FCI ગોડાઉનમાં ગઇ છે જેથી આ જમીન મારી હતી તેવો કોઇને પણ ખ્યાલ ન હતો, પરંતુ મગનભાઇ સુંદરભાઈએ મારી માહિતી લીક કરીને સામેવાળી વ્યકિતને આપીને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું.

મુખ્ય આરોપી સામે સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
સમગ્ર મામલે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે મગનભાઈ સુંદરભાઈ વણકર નામના ઇસમ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયેલ હાર્દિક અને ગુગલા નામના ઇસમોની શું ભૂમિકા છે તેની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોધરાના DySp પી.આર. રાઠોડે જણાવ્યું હતું કે, મૃતક પાસે આરોપીઓ ખંડણીની માંગ કરી રહ્યા હતાં. જેમનો ત્રાસ વધી જવાથી પિતા અને પુત્રીએ તળામાં ઝંપલાવીને આપઘાત કર્યો છે.

આ પણ વાંચોઃઅમદાવાદ: વિદેશમાં વર્ક પરમીટના નામે પતિ-પત્નીએ ફુલેકુ ફેરવ્યું

Back to top button