અમેરિકાના H-1B વિઝા માટે નવો નિયમ, ભારતીયોને ફાયદો થશે?
અમેરિકા, 31 જાન્યુઆરી : યુએસ સરકારે H-1B વિઝાની નવીકરણ પ્રક્રિયાને સરળ બનાવી છે. આ માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 10 લાખથી વધુ ભારતીયોને તેનો લાભ મળશે.અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે અમેરિકામાં એક મોટો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અમેરિકામાં આજથી H-1B વિઝાના ડોમેસ્ટિક રિન્યૂઅલ માટેનો પાયલોટ પ્રોગ્રામ શરૂ થયો છે. વિઝા રિન્યુઅલ માટે ઓનલાઈન અરજી કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, વિઝા રિન્યુ કરવામાં 6 થી 8 અઠવાડિયાનો સમય લાગશે
અમેરિકામાં આજથી H-1B વિઝાના ડોમેસ્ટિક રિન્યૂઅલ માટેનો પાયલોટ પ્રોગ્રામ શરૂ થયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે વિઝા સર્વિસિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ મિનિસ્ટર જુલી સ્ટેફોર્ડે કહ્યું હતું કે ભારતીયોને સૌથી વધુ અસર થશે. કારણ કે ભારતીયોમાં કુશળ કામદારોની સંખ્યા સૌથી વધુ છે. ગયા વર્ષે જૂનમાં, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે H-1B વિઝાની નવીકરણ પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પીએમ મોદીની મુલાકાત દરમિયાન આ કાર્યક્રમની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી હતી.
જાણો કોના વિઝા રિન્યુ થશે?
અમેરિકામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાંથી 1 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર, 2021ની વચ્ચે અને કેનેડિયન વાણિજ્ય દૂતાવાસમાંથી 1 જાન્યુઆરીની મધ્યમાં જે લકોને H1B વિઝા આપવામાં આવ્યા હતા, તેમના વિઝા રિન્યુ કરવામાં આવશે. આવા વિદેશી નાગરિકો પાસેથી નોન-ઇમિગ્રન્ટ વિઝા ઇશ્યુ કરવાની ફી પણ લેવામાં નહીં આવે. આ સિવાય જેણે પ્રથમ વિઝા અરજી દરમિયાન દસ ફિંગરપ્રિન્ટ જમા કરાવ્યા છે, તેને ઇન્ટરવ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ 29 જાન્યુઆરીથી 1 એપ્રિલ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન માત્ર 20 હજાર લોકોના વિઝા રિન્યુ કરવામાં આવશે. જો 1 એપ્રિલ પહેલા 20 હજાર અરજીઓ આવશે તો તેને બંધ કરી દેવામાં આવશે.
શું છે H-1B વિઝા, કેટલા ભારતીયોને થશે લાભ
H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. જે અમેરિકન કંપનીઓને વિદેશી કામદારોની નિયુક્તિ કરવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકન કંપનીમાં કામ કરે છે ત્યારે તેને H-1B વિઝા આપવામાં આવે છે. અત્યાર સુધી જો કોઈ વ્યક્તિના H-1B વિઝાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય, તો તેને રિન્યૂ કરાવવા માટે તેના દેશમાં પાછા ફરવું પડતું હતું. પરંતુ હવે અમેરિકામાં રહીને જ વિઝા રિન્યુ થઈ જશે. H-1B વિઝાની નવીકરણ પ્રક્રિયાને સરળ બનાવવાથી લગભગ 10 લાખ લોકોને ફાયદો થશે અને તેમાંથી મોટી સંખ્યામાં ભારતીયો હશે.
આ પણ વાંચો : અમેરિકાએ વર્ષ 2023માં ભારતીયોને રેકોર્ડબ્રેક 14 લાખ વિઝા આપ્યા