ઝારખંડના સાહિબગંજના રિબિકા મર્ડર કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રિબિકા ગર્ભવતી હતી. હત્યા પહેલા દિલદારના મામા અને તેના સાથીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. રિબિકા પરિણીત હતી અને તેને પાંચ વર્ષની પુત્રી છે.
આ કેસમાં અત્યારસુધીમાં 10 આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોનો દાવો છે કે આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
SP અનુરંજન કિસ્પોટ્ટાએ ફોન પર જણાવ્યું હતું કે અમે આ તમામ કેસની તપાસ કરી રહ્યા છીએ. આ પછી જ કંઈક નક્કી થશે. રિબિકા ગર્ભવતી હોવાના સવાલ પર SPએ કહ્યું કે- તપાસ પૂર્ણ થયા બાદ જ અમે સત્તાવાર રીતે ટિપ્પણી કરી શકીશું. શું રિબિકાની હત્યા પહેલાં બળાત્કાર થયો હતો? આ સવાલ પર પણ SPએ કહ્યું- મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ ટિપ્પણી કરી શકાશે.
રિબિકાના અંતિમસંસ્કાર
રિબિકાના ગોંડા પહાર ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કાર વખતે ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવ અને SP અનુરંજન કિસ્પોટ્ટા પણ હાજર હતા.
દિલદાર અને રિબિકા બંનેના અગાઉ લગ્ન થયા હતા
દિલદાર અને રિબિકા બંનેનાં આ બીજા લગ્ન હતાં. રિબિકાને રિયા નામની પાંચ વર્ષની પુત્રી છે. દિલદારને પહેલા લગ્નથી એક પુત્ર છે. રિબિકાની દીકરી તેના દાદા-દાદી સાથે રહેતી હતી. દિલદાર રિબિકાની દીકરીને સાથે લઈ જવા માગતો હતો, પરંતુ તેના દાદાએ ના પાડી.
દુમકામાં પોસ્ટમોર્ટમ
રિબિકાના મૃતદેહના ટુકડાઓનું પોસ્ટમોર્ટમ દુમકાની ફૂલો ઝાનો હોસ્પિટલમાં થયું હતું. રિપોર્ટમાં શું છે એની સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી. વાળ અને માંસના ટુકડાને મેચ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ રિબિકાના છે. ડોગ-સ્ક્વોડની મદદથી રિબિકાના લોહીના ડાઘવાળા જેકેટ સહિત કેટલાંક કપડાં મળ્યાં છે.
હજુ પણ મુખ્ય હથિયારની શોધમાં છે
પોલીસ હજુ રિબિકા પહાડીનની હત્યામાં વપરાયેલા મુખ્ય હથિયારને શોધી રહી છે. પોલીસે આરોપીના ઘરેથી અત્યારસુધીમાં નાની સાઈઝની બે છરી કબજે કરી છે, પરંતુ પોલીસનું માનવું છે કે આ સાઈઝના હથિયારથી લાશના ટુકડા કરવા અશક્ય છે, આ પ્રકારની હત્યા માટે મોટા હથિયારની જરૂર પડે છે, જેને શોધવામાં આવી રહ્યાં છે. પોલીસે હત્યા કરાયેલા ઘરમાંથી દારૂની બોટલ અને નશાનો સામાન પણ મળ્યો છે.