રેલવેની નવી ઓફર: આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે

નવી દિલ્હી: રેલવેએ મુસાફરો માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ પરત ફરતી વખતે 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજના હાલ પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવશે, જેથી તેની અસર અને મુસાફરોના પ્રતિભાવનું મૂલ્યાંકન કરી શકાય.
રેલવેએ તહેવારોની મોસમ દરમિયાન ભીડનું સંચાલન કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ‘રાઉન્ડ ટ્રીપ પેકેજ’ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, જે મુસાફરો નિર્ધારિત સમય મર્યાદામાં તેમની પરત ફરતી મુસાફરી બુક કરાવશે તેમને રિટર્ન ટિકિટના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે.
‘કનેક્ટિંગ જર્ની ફીચર’ દ્વારા ટિકિટ બુક કરવામાં આવશે
આ યોજના ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થશે. આ અંતર્ગત, પહેલી મુસાફરી (ઓનવર્ડ જર્ની) માટે ટિકિટ ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ ની વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે. આ પછી, ૧૭ નવેમ્બર ૨૦૨૫ થી ૧ ડિસેમ્બર ૨૦૨૫ ની વચ્ચેની તારીખો માટે ‘કનેક્ટિંગ જર્ની ફીચર’ દ્વારા રીટર્ન જર્ની ટિકિટ બુક કરાવી શકાશે.
ડિસ્કાઉન્ટ બેઝ ફેયર પર ઉપલબ્ધ રહેશે
આ યોજનામાં ડિસ્કાઉન્ટ ફક્ત ત્યારે જ મળશે જો બંને બાજુની ટિકિટ કન્ફર્મ હોય અને તે જ મુસાફરોના નામે હોય. રીટર્ન ટિકિટ બુક કરવા માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ લાગુ થશે નહીં. રીટર્ન જર્નીના બેઝ ફેયર પર જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રેલવેએ જણાવ્યું હતું કે આ યોજના હાલમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી છે, જેથી તહેવારો દરમિયાન બંને બાજુથી ટ્રેનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય.
આ પણ વાંચો: શ્રેયસ અય્યરના જોડીદારે ધમાલ મચાવી, 9 છગ્ગા સાથે ખાલી 52 બોલમાં સદી ફટકારી












