નવી જંત્રીનું કાઉન્ટડાઉનઃ વારસાઈ હક કમી કરાવવાની કલમમાં ફેરફાર આવી શકે છે


ગાંધીનગર, 25 માર્ચ, 2025: ગુજરાતમાં નવી જંત્રીના અમલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. New Jantri countdown in Gujarat રાજ્ય સરકાર આવતા મહિને ફેરફાર અને સુધારા વધારા સાથેની જંત્રી અમલમાં મૂકી શકે છે. જોકે તેનો અમલ કરવામાં આવે તે પહેલાં વિધાનસભાના વર્તમાન સત્રના છેલ્લા દિવસે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958માં લગભગ 28 કલમોમાં સુધારા થવાની શક્યતા છે.
સોમવારે સાંજે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ દરખાસ્તને અનુમોદન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સામાન્ય નાગરિકોથી માંડી કોર્પોરેટ ક્ષેત્રને લગતા 1958ના સ્ટેમ્પ કાયદામાં થનાર આ ફેરફાર અનુસાર વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારોના હક કમી inheritance rights પર કુલ રકમના 4.90 ટકા સ્ટેમ્પ ડ્યુટીને બદલે પુત્રોના વારસદારો માટે હાલ જે જોગવાઈ છે તેમ પુત્રીના વારસદારો માટે પણ માત્ર રૂપિયા 200ના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ લેવાની જોગવાઈ થઈ શકે છે.
અગાઉ 2014માં વડીલોપાર્જિત મિલકતમાં પુત્ર (ભાઈ)ના વારસદારોના હક કમી માટે રૂ. 200ના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટને માન્યતા આપવા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે આ સુધારો કરતી વખતે બહેનના વારસદારો અર્થાત વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રી અર્થાત બહેનના વારસદારો અંગે કોઈ સ્પષ્ટતા થઈ નહોતી. પરિણામે આ મામલે લાંબા સમયથી અદાલતોમાં કાનૂની લડાઈ ચાલી રહી છે.
કાયદામાં રહી ગયેલી આ ખામી દુરસ્ત કરવા સરકારે જાહેર કર્યું છે. તદઅનુસાર સ્ટેમ્પ કાયદામાં કલમો અને પેટાકલમોમાં સુધારા થશે તેવી શક્યતા છે. જો આવું થશે તો રાજ્યના અનેક પરિવારોની સમય-શક્તિનો બચાવ થઈ શકશે અને તેમણે ગીરોખત, ગીરોમુક્તિ લેખ, ભાડાપટ્ટા લેખ વગેરે માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ ધક્કા ખાવાને બદલે ઘરે બેઠા ઈ-રજિસ્ટ્રેશન દ્વારા આ કામો કરી શકશે તેવી જોગવાઈ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાકાળનું કૌતુક! ચાર ગામના પરિવાર 1613 અને લગ્નોની નોંધણી 2950!
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD