કમૂરતા બેસે તે પહેલાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે, આ તારીખે શપથવિધિની શક્યતા; ભાજપની તૈયારીઓ શરૂ
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગયું, અને હવે તો પરિણામની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું અનુમાન છે. એવામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા અત્યારથી નવી સરકારની રચના માટે તૈયારી શરૂ કરી દીધી છે.
છેલ્લા બે દશકામાં પ્રથમ વખત રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 16 ડિસેમ્બરે બેસી રહેલા કમૂરતા પહેલા જાહેર થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અત્યારથી જીતની આશા છે. આથી 8મીએ પરિણામ જાહેર થવા સાથે જ કમૂરતા પહેલા મુખ્યમંત્રીની શપથવિધિ સાથે નવી સરકારની રચના કરી શકે છે.
એવું કહેવાઈ રહ્યું છે કે, 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના જીતેલા તમામ ધારાસભ્યોને ગાંધીનગરનું તેડુ મોકલવામાં આવશે. જ્યાં ભૂપેન્દ્ર પટેલને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે. જે બાદ રાજભવન અથવા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 16મીએ કમૂરતા બેસે તે પહેલા 11 અથવા 12 ડિસેમ્બર પૈકી કોઈ એક દિવસે શપથવિધિની શક્યતા છે.
જણાવી દઈએ કે, અગાઉ ઑક્ટોબર-2001માં નરેન્દ્ર મોદીને બાદ કરતાં ત્રણ વખત ડિસેમ્બર મહિનામાં કમૂરતામાં જ મુખ્યમંત્રી પદની શપથવિધિ બાદ નવી સરકારની રચના કરવામાં આવી હતી.