ગુજરાતમાં દર્દીઓના હિતમાં નવો નિર્દેશ જારીઃ હોસ્પિટલ સંચાલકો આ બાબતે દબાણ નહીં કરી શકે
ગાંધીનગર, 14 ડિસેમ્બર : રાજ્યમાં એક તરફ ખ્યાતિકાંડના લીધે જુદી-જુદી હોસ્પિટલ ઉપર તપાસ માટે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખી તેમને રાહત આપતો વધુ એક આદેશ કર્યો છે. જેમાં રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં.
ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નરનો આદેશ
આ અંગે ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે.
તેથી રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને ‘આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’ તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.
અનેક હોસ્પિટલ પોતાના જ મેડીકલમાંથી દવા લેવડાવતા
આ અંગે જાણવા મળ્યા અનુસાર રાજ્યમાં અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતાં દર્દીઓને તબીબો જે દવાઓ લખી આપતા હતા તે દવાઓ તેમની જ હોસ્પિટલમાં અથવા તેની બહાર આવેલા નિશ્ચિત મેડીકલમાંથી લેવાનું ફરજિયાત કરતા હતા. તેવી અનેક ફરિયાદો ઉઠ્યા બાદ આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :- મહારાષ્ટ્રમાં ફરી શિવાજીની મૂર્તિ બનાવાશે, જાણો શું હશે ખાસિયત