

- પોલ ટેસ્ટ 28 તેમજ 29 ડિસેમ્બર યોજાશે
- આગામી 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે
- સરકારે એચઆર મેનેજર અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી
ગાંધીનગર, 21 ડિસેમ્બર : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ની અગાઉ રદ થયેલી વિદ્યુત સહાયક ભરતી પ્રક્રિયાની પોલ ટેસ્ટ ફરી લેવાની જાહેરાત કરાઈ છે. જેટકોએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે, જેમાં આગામી 28 અને 29 ડિસેમ્બરે અને લેખિત પરીક્ષા 7 જાન્યુઆરીએ લેવાશે.
1200થી વધુ જગ્યાની ભરતી 19 ડિસેમ્બરે રદ કરી
ઉલ્લેખનીય છે કે, અગાઉ જેટકો 1200થી વધુ વિદ્યુત સહાયકની જગ્યાઓ (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) માટે ભરતી પ્રક્રિયા 19 ડિસેમ્બરે રદ કરી છે. સરકારને ગેરરીતિની ફરિયાદો મળ્યા બાદ આ પરીક્ષા રદ કરી હતી. આ દરમિયાન ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી રૂષિકેશ પટેલે સમિક્ષા બેઠક યોજી પરીક્ષા રદ કરવાની અને પરીક્ષા ફરી લેવાની પણ જાહેરાત કરી હતી.
મેનેજર અને જવાબદાર અધિકારીઓને નોટિસ
મહત્વનું છે કે, પરીક્ષા રદ મામલે સરકારે કાર્યવાહી કરી જેટકોના એચઆર મેનેજર અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી હતી. પરીક્ષા રદ કરવા મામલે સરકારના કડક વલણ અંગે ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવે કહ્યું હતું કે, જેની પણ ભુલ સામે આવશે, તેમની સામે કડક કાર્યવાહી કરાશે. ઉલ્લેખનિય છે કે, જેટકોની ગેરરીતિ સામે અવ્યા બાદ પરીક્ષા રદ કરાઈ હતી. ત્યારબાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી કે વહેલીતકે નવી તારીખો જાહેર કરવામાં આવે.
પોલ ટેસ્ટ નિયમ અનુસાર લેવાયેલ ન હતી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જેટકો હેઠળ લેવાઈ પરીક્ષામાં ચૂક થઈ હતી. રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવાયેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL તેમજ જેટકો દ્વારા બહાર પડાયેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવાઈ નથી. આ મામલો સામે આવ્યા તપાસ સમિતિએ તપાસ હાથ ધરતા આ ગેરરીતિ સામે આવી હતી.