છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આજે નવા CM લેશે શપથ, PM મોદી રહેશે હાજર
- મધ્યપ્રદેશમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા બનશે ડેપ્યુટી મુખ્યમંત્રી
- છત્તીસગઢના CMની સાથે તેમના મંત્રીમંડળના સભ્યો પણ લેશે શપથ
મુખ્યમંત્રી શપથગ્રહણ સમારોહ, 13 ડિસેમ્બર : મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના નવા સીએમની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાંથી મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ બુધવારે એટલે કે આજે શપથ લેશે. જેમના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા મધ્યપ્રદેશમાં ડેપ્યુટી મુખ્યમંત્રી બનશે. જો કે, હાલ એ સ્પષ્ટ નથી કે બંને નેતાઓ યાદવ સાથે શપથ લેશે કે નહીં. છત્તીસગઢની વાત કરીએ તો વિષ્ણુદેવ સાંઈની સાથે તેમના મંત્રીમંડળના સભ્યો પણ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ લેશે.
છત્તીસગઢમાં કોણ બની શકે છે મંત્રી?
અહેવાલ મુજબ, ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, છત્તીસગઢમાં મંત્રી પરિષદમાં નવા ચહેરા અને જૂના નેતાઓનું મિશ્રણ હોઈ શકે છે. નિયમો અનુસાર છત્તીસગઢ કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 13 મંત્રીઓ હોઈ શકે છે. જેમાં બ્રિજમોહન અગ્રવાલ અને અમર અગ્રવાલ, ધરમલાલ કૌશિક અને અજય ચંદ્રાકર, કેદાર કશ્યપ, વિક્રમ યુસેન્ડી અને રામવિચર નેતામ, પુન્નુલાલ મોહિલે, દયાળદાસ બઘેલ અને રાજેશ મૂનત સહિતના નેતાઓ સાઈ કેબિનેટમાં સંભવિત મંત્રી તરીકે જોડાઇ તેવી શક્યતા રહેલી છે.
ભાજપે કેટલી બેઠકો જીતી?
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપે સરકાર જાળવી રાખી છે. છત્તીસગઢની 90 બેઠકોમાંથી ભાજપે 54 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. અહીં કોંગ્રેસને 35 બેઠકો મળી હતી. જ્યારે મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો ભાજપે 230માંથી 163 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી છે. જ્યારે કોંગ્રેસ 66 બેઠકો પર જીત મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ ગણાતા આ વિધાનસભા ચૂંટણીના પરિણામને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મંત્રીઓની પસંદગી કરતી વખતે સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવશે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં લગાવવામાં આવી રહી છે.