કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગનેશનલ

કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા મુલાકાતીઓ માટે નવું આકર્ષણ તૈયાર

  • આજે મુખ્યમંત્રીના હસ્તે ધોરડોમાં ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’નું અનાવરણ
  • સફેદ રણમાં વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી મુલાકાતીઓને કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાશે 
  • “કચ્છડો ખેલે ખલકમેં” થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

ગાંધીનગર, 26 ડિસેમ્બર: દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત થઇ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે મુલાકાતીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે.  આજે સફેદ રણના વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી એક નયનરમ્ય નજારો પેદા થશે, અને વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે.

 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. અહીં પ્રાસંગિક ઉદ્બોધન બાદ માનનીય મુખ્યમંત્રી તેમજ મંત્રી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. આ સાથે “કચ્છડો ખેલે ખલકમેં” થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણી-પીણી બજાર, ક્રિએટિવ ફુડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

 

રણોત્સવથી કચ્છના અર્થતંત્ર બન્યું ગતિશીલ

RAN UTSAV, Dhordo
TWITTER :@abhimanyu

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, આકર્ષણો અને અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. કચ્છના ધોરડોમાં, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલા રણોત્સવને હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ છે અને કચ્છના અર્થતંત્રને નવી ઊર્જા મળી છે. વર્ષ 2022-23માં 3.5 લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.

સફેદ રણના પ્રવાસનથી સ્થાનિક રોજગારીમાં વધારો

અત્યારે, કચ્છમાં ધોળાવીરા, સ્મૃતિવન, રીજનલ સાયન્સ સેન્ટર અને ભુજના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઇ શકશે. સફેદ રણમાં પ્રવાસન વિકાસથી, સ્થાનિકોને વિવિધ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બની છે. કચ્છી ભરતકામ અને હસ્તકલાના નમૂનાઓ પણ દેશ-વિદેશના લોકોમાં પ્રખ્યાત છે. રણોત્સવ થકી કચ્છી હેન્ડિક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે એક વૈશ્વિક બજાર મળે છે.

ધોરડો હવે ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે ખ્યાતનામ  

તાજેતરમાં જ, કચ્છના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. 19 ઓક્ટોબરના ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે UNWTO (યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન)ના ઉપક્રમે યોજાયેલી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ-2023’ એવોર્ડ સેરેમની કાર્યક્રમ દરમિયાન ભારતમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.  કચ્છનું સફેદ રણ જ્યાં આવેલું છે, તે ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ એવોર્ડ મળવાથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે.

આ પણ જુઓ :ભારતનું ગૌરવઃ કચ્છના ધોરડોને શ્રેષ્ઠ વૈશ્વિક ગામોની યાદીમાં સ્થાન મળ્યું

Back to top button