પાલનપુરમા જમીનનો વિવાદ લોહિયાળ બન્યો, સગા ભત્રીજાએ કુંવારા કાકાનું ઢીમ ઢાળી દીધું
પાલનપુર, 2 ડિસેમ્બર 2023, કાકા જમીન વેચી દેશે તેવા વિચારથી સગા ભત્રીજાએ કાકાને રસ્સાથી ગળુ દબાવીને ઢીમ ઢાળી દીધું હતું. હત્યારો ભત્રીજો કાકાના મૃતદેહને ઠેકાણે કરે તે પહેલાં જ આ ઘટનાની જાણ આરોપીના મોટાભાઈએ પોલીસને કરી દીધી હતી. પોલીસ આરોપીઓ પહોંચે તે પહેલાં જ ત્યાં પહોંચી ગઈ હતી અને બંને જણાને રંગેહાથે પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જમીનની લાલચે ભાગીયા સાથે મળી કાકાને પતાવી દીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુરના સાંગલા ગામમાં રહેતા મુળજીભાઈ ભુતડિયા અવિવાહિત હતા. તેઓ પોતાના ભાઇના છોકરાઓ સાથે રહેતાં હતા. કાકા અવિવાહિત અને જમીન ધરાવતાં હોવાથી તેમના ભત્રીજા ગોવા સાથે એમને અવારનવાર ઝઘડાઓ થતાં હતા. કાકા મુળજીભાઇ જમીન વેચી મારશે તો એવી શંકાએ ગોવાએ કાકાની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધુ હતું. જેથી તેણે પોતાના ભાગીયા ચેલા ભગોરા સાથે મળી કાકા મુળજી ભુતડિયાની રસ્સાથી ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. કાકાની હત્યા બાદ મૃતદેહને નાની ભટામલ ગામ નજીક દાંતીવાડા ડેમમાં નાખવાનું નક્કી કર્યું હતું.
પોલીસે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા
ગોવાએ પોતાની માલિકીની કારમાં ચેલા સાથે મળીને કાકાની લાશને મૂકી હતી અને બંને ડેમમાં લાશ નાખી દેવા માટે નીકળી ગયા હતા. આ ઘટનાની જાણ ગોવાની પત્નીએ તેમના જેઠ એટલે કે ગોવાના મોટાભાઇ ચેલાભાઇને કરતાં ચેલા ભૂતડિયાએ તુરંત પોલીસને ફોન કરીને જાણ કરી હતી. ચેલા ભુતડિયાએ પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ તત્કાલિક નાની ભટામલ ગામની પાસે આવેલા દાંતીવાડા ડેમની સીમ પાસે પહોંચી ગઇ હતી. જ્યાં બંને આરોપી લાશનો નિકાલ કરવા આવતાં જ રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે ચેલા ભૂતડિયાની ફરિયાદના આધારે બંને આરોપીઓને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.
ભત્રીજાને જમીન બાબતે કાકા સાથે ઝઘડો થતો હતો
આ અંગે DySP જીગ્નેશ ગામીએ જણાવ્યું હતું કે, આરોપી ગોવાને જમીન બાબતે તેના કાકા મુળજીભાઇ ભુતડિયા સાથે વારંવાર ઝઘડો થતો હતો. જેમાં મુળજી ભુતડિયા જમીન વેચી મારશે એવી શંકાએ ગોવાએ પોતાના ભાગીયા સાથે મળીને ગઇકાલે તેના કાકાની હત્યા કરી હતી. તેના ભાઇએ પોલીસને જાણ કરતાં પોલીસે લાશનો નિકાલ કરે એ પહેલાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચોઃ પાલનપુર સિવિલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં 9 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ