રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) દ્વારા પુષ્પ કમલ દહલ સરકારમાંથી બહાર નીકળતાં શાસક ગઠબંધનની સ્થિરતાનો પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે. RSPના તમામ મંત્રીઓએ રવિવારે વડાપ્રધાન દહલને પોતાના રાજીનામા સોંપી દીધા હતા. RSP છેલ્લી સામાન્ય ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 20 બેઠકો જીતીને ચોથા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. RSP એ ગૃહ મંત્રાલય સાથે સરકારમાં પક્ષના વડા રબી લામિછાનેને ફરીથી સામેલ કરવાની વડા પ્રધાનની અનિચ્છાને કારણે સરકારમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે, જોકે તેણે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં શાસક ગઠબંધનને સમર્થન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. RSP નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (UML) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી કેન્દ્ર) પછી સત્તાધારી ગઠબંધનમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.
શું હતો આખો ઘટનાક્રમ ?
સુપ્રીમ કોર્ટે નેપાળના કાયદેસર નાગરિક ન હોવાના કારણે લામિછાનેની સંસદ સભ્યપદ રદ કરી હતી. આ કારણોસર તેમણે નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટના બાદ તેણે નેપાળની નાગરિકતા લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. લામિછાનેએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે મંત્રી પદ ગુમાવવા માટે પોતાને દોષી ઠેરવવાનો ઇનકાર કર્યો હતો.
હજુ પણ પાસપોર્ટ સંબંધિત ગેરરીતિઓના આરોપમાં કેસ થવાનો ભય
જ્યારે કાયદાકીય નિષ્ણાતોના મતે હજુ પણ પાસપોર્ટ સંબંધિત ગેરરીતિઓના આરોપમાં કેસ થવાનો ભય છે. વડાપ્રધાન દહલે આ સંભાવનાને કારણે તેમને ફરીથી ગૃહ મંત્રાલય આપવાનો ઈન્કાર કરી દીધો છે. લામિછાનેએ આ અંગે શાસક ગઠબંધનના નેતાઓની આકરી ટીકા કરી હતી. અગાઉ, લામિછાનેએ આરએસપીની કેન્દ્રીય સમિતિ અને સંસદીય દળની બેઠક બોલાવી હતી, જેમાં દહલ સરકારમાંથી વોકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પાર્ટી સાથે જોડાયેલા મંત્રીઓએ વડાપ્રધાનને પોતાના રાજીનામા સોંપી દીધા.