ભારત સામે નેપાળ ઘૂંટણીએઃ નેપાળી પ્રમુખના આર્થિક સલાહકારે રાજીનામું આપવું પડ્યું, જાણો કારણ
કાઠમંડુ, 13 મે, 2024: નેપાળી રૂપિયાની નોટ પર ભારતીય વિસ્તારો દર્શાવનાર નેપાળના પ્રમુખ રામ ચંદ્ર પૌડેલના આર્થિક સલાહકારે આખરે ભારતીય દબાણમાં રાજીનામું આપવું પડ્યું છે. નેપાળના પ્રમુખના આર્થિક સલાહકાર ચિરંજીવીએ ભારતના ત્રણ વિસ્તારો નેપાળના હોવાનો દાવો કરીને નેપાળી 100 રૂપિયાની નવી નોટોમાં એ વિસ્તારો દર્શાવી દીધા હતા. ભારત સરકારે તેની સામે નેપાળ સમક્ષ સખત વાંધો ઉઠાવ્યો હતો. આ પછી નેપાળના પ્રમુખના આર્થિક સલાહકારે આ ભૂલની જવાબદારી લેતા રાજીનામું આપી દીધું છે. નેપાળની નવી ચલણી નોટ છાપ્યા બાદ કાઠમંડુએ આંતરરાષ્ટ્રીય મીડિયામાં વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું.
નેપાળી પ્રમુખના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર પ્રમુખે રવિવારે ચિરંજીવી નેપાળનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચિરંજીવીએ સોમવારે કહ્યું, “મેં એક અર્થશાસ્ત્રી અને કેન્દ્રીય બેંકના ભૂતપૂર્વ ગવર્નર તરીકે ટિપ્પણી કરી હતી, પરંતુ કેટલાક મીડિયા આઉટલેટ્સે પ્રમુખના આદરણીય હોદ્દાને વિવાદમાં સંડોવવાના પ્રયાસમાં મારા નિવેદનને વિકૃત કર્યું છે.” નેપાળની 100 રૂપિયાની નવી ચલણી નોટમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નવા નકશામાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, ભારત કહેતું રહ્યું છે કે આ ત્રણેય ક્ષેત્ર તેનો હિસ્સો છે.
ચિરંજીવીએ કહ્યું, “કેટલાક ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલો બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને મેં રાજીનામું આપ્યું છે, જેમણે મારા નિવેદનના આધારે નેપાળના પ્રમુખને વિવાદમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગયા અઠવાડિયે નેપાળી સરકારની કેબિનેટની બેઠકમાં 100 રૂપિયાની નવી નોટ છાપવા માટે જૂનાની જગ્યાએ નવા નકશાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારે ભારતીય વિસ્તારોમાં તેમાં દર્શાવવામાં આવશે એ જાણ્યા બાદ નવી દિલ્હીએ સખત વાંધો નોંધાવ્યો હતો.
નેપાળના એક રાજકીય પક્ષ CPN-UMLના પ્રમુખ અને ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચિરંજીવી નેપાળે કરેલી ટિપ્પણી બદલ તેમની જાહેરમાં ટીકા કરી હતી. અગાઉ, નાગરિક સમાજ સંગઠનોના નેતાઓના એક જૂથે સંશોધિત બંધારણ મુજબ નેપાળના નકશા સાથે રૂ. 100ની નવી નોટો છાપવાના સરકારના નિર્ણય વિરુદ્ધ તેમની ટિપ્પણી પર ચિરંજીવીને હટાવવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ વિષય પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે (ચિરંજીવીએ) રાષ્ટ્રીય હિત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગયા અઠવાડિયે ભારતીય વિસ્તારો દર્શાવતી નવી નોટો જારી કરવાના નેપાળ સરકારના નિર્ણય પર અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આનાથી જમીન પર પરિસ્થિતિ બદલાશે નહીં. નેપાળ પાંચ ભારતીય રાજ્યો – સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1,850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે.
આ પણ વાંચોઃ કેજરીવાલની તિહારમાંથી કાયમી મુક્તિની તારીખ જાહેર? જાણો શું છે મામલો