Nepal Helicopter Crash: નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ, લેન્ડિંગ દરમિયાન બની દુર્ઘટના

Helicopter Crash In Nepal : ભારતના પડોસી દેશ નેપાળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળના ખોટાંગ જિલ્લામાં લેન્ડિંગ કરતી વખતે એક હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ હેલિકોપ્ટર કાઠમંડુથી એક મૃતદેહને લઈને જઈ રહ્યું હતું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર, હેલિકોપ્ટર ખેતરમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તેનું સંતુલન અચાનક બગડી ગયું અને તે ક્રેશ થયું હતું. સદનસીબે, અકસ્માતમાં કોઈ મૃત્યુ કે ગંભીર ઈજાના અહેવાલ નથી.
ANIના અહેવાલ મુજબ, જિલ્લા અધિકારી રેખા કંડેલે જણાવ્યું હતું કે, ‘અકસ્માત પછી તરત જ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. બધા સુરક્ષિત છે અને કોઈ મોટી જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી.’ એવું નોંધાયું છે કે નેપાળના પર્વતીય પ્રદેશોમાં આવી ફ્લાઇટ્સ સામાન્ય છે, પરંતુ યોગ્ય રનવેનો અભાવ અને અચાનક હવામાનમાં ફેરફાર થવાથી જોખમ ઊભું થાય છે. હેલિકોપ્ટર ઘણીવાર નાના ખેતરો અથવા ખુલ્લા વિસ્તારોમાં લેન્ડિંગ કરે છે, જેના કારણે જોખમ વધે છે.
અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ
હેલિકોપ્ટર ક્રેશની ઘટના કેમ બની તે અંગે તપાસ ચાલુ છે અને કારણ તપાસવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં, એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાન, ટેકનિકલ સમસ્યા અથવા લેન્ડિંગ ભૂલ કારણ હોઈ શકે છે. જો કે પ્રાથમિક તપાસ બાદ જ સાચુ કારણ સામે આવી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નોંધનીય છે કે, અગાઉ નેપાળમાં 29 ઓક્ટોબર, 2025ના રોજ, સોલુખુમ્બુ જિલ્લામાં લોબુચે નજીક માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું. હેલિકોપ્ટર વિદેશી પ્રવાસીઓને બચાવવા માટે બચાવ મિશન પર હતું. લેન્ડિંગ દરમિયાન, હેલિકોપ્ટરનું સંતુલન બગડી ગયું, જેના પરિણામે અકસ્માત થયો. સદનસીબે, પાઇલટ અકસ્માતમાં સુરક્ષિત બચી ગયો હતો.
આ પણ વાંચો : EWS આવાસ યોજનામાં ગેરરીતિઓ બહાર આવી, AUDA કરશે ફ્લેટ સીલ












