ગુજરાત:વિવાદથી સળગી રહેલા ફાયર વિભાગમાં દીવા તળે અંધારા જેવો ઘાટ
- છેલ્લા ઘણા મહિનાઓથી ચીફ્ ફાયર ઓફ્સિરની જગ્યા ઇન્ચાર્જમાં ચાલી રહી છે
- તંત્રની મજબુરી છે કે મિલિભગત તે સવાલ લોકો પુછી રહ્યાં છે
- લાંચમાં પકડાયેલા ડિવિઝનલ ફાયર ઓફિસરને ભરતી પ્રક્રિયા માટે બોલાવાયા
ગુજરાતમાં વિવાદથી સળગી રહેલા ફાયર વિભાગમાં દીવા તળે અંધારા જેવો ઘાટ છે. જેમાં લાંચમાં પકડાયેલા ડિવિઝનલ ફાયર ઓફિસરને ભરતી પ્રક્રિયા માટે બોલાવાયા છે. ઓનલાઇન ફોર્મ ભર્યું તે સમયે ફાયરવિભાગે કઇ રીતે સ્વીકાર્યું તે સવાલ છે. જેમાં લાંચિયા અધિકારીઓની તંત્ર સાથે મિલીભગત કે બેદરકારી.
ફાયર બ્રિગેડની અંદર ચાલતી પોલમપોલ પર અનેક સવાલો
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ફાયર બ્રિગેડની અંદર ચાલતી પોલમપોલ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. હાલમાં રાજકોટમાં 3થી વધુ ફાયર અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનની આગ કાંડમાં જેલની અંદર છે તો તેની જગ્યાએ આવેલા ફાયર અધિકારીએ પણ લાંચ લઈને સાબિત કરી દીધુ છે અમને કોઈ ફર્ક પડતો નથી. ત્યારે હવે એક નવો વિવાદ હવે અમદાવાદ ફાયર બ્રિગેડનો બહાર આવ્યો છે. જેમાં અમદાવાદમાં 2022માં એનઓસી આપવા માટે માંગેલી લાંચમા એએમસીના વિજીલન્સ ચેકિગમાં ઝડપાયો હતો. હવે આ અધિકારી હવે નવી ભરતી માટે ઈન્ટરવ્યુ આપી રહ્યો છે અને દીવા તળે અંધારા સમાન ફાયર વિભાગે તેમના ડોકયુમેન્ટની પ્રોસેસ પણ શરૂ કરી છે.
તંત્રની મજબુરી છે કે મિલિભગત તે સવાલ લોકો પુછી રહ્યાં છે
લાંચિયા અધિકારીઓને સાચવવા કે ફરી નોકરીએ લેવા એ તંત્રની મજબુરી છે કે મિલિભગત તે સવાલ લોકો પુછી રહ્યાં છે. શહેરમાં વર્ષ 2022માં ખાનગી સ્કૂલને ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ આપવા માટે લાંચ લેવાના કેસમાં ડિવિઝનલ ફાયર ઓફ્સિર મનીષ મોડ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. જેની તપાસ શરૂ થતાંની સાથે જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એક વર્ષની તપાસ બાદ કોર્પોરેશનના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગ દ્વારા નોકરીમાંથી ટર્મિનેટ કરવાની નોટિસ બંધ કવરમાં આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ. જ્યારે ફાયરબ્રિગ્રેડમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચીફ્ ફાયર ઓફ્સિરની જગ્યા ઇન્ચાર્જમાં ચાલી રહી છે. તે માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં જે લોકો સામે ઇન્કવાયરી અને લાંચ કેસમાં પકડાયા છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે. એટલે કે જે-તે સમયે ફોર્મ ભર્યુ તે સમયે તંત્ર દ્વારા કઇ રીતે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યુ તે અંગે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. જ્યારે તંત્રમાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે.