અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુદા જુદા વિભાગોમાં લાલિયાવાડી જોવા મળી
- વસ્ત્રાલમાં સ્ટોર્મવોટર ડ્રેનેજનું ખાતમુહુર્ત થયાના બાદ પણ કામગીરી અધૂરી રહી
- સ્ટોર્મવોટર ડ્રેનેજ નાખવા અને પાર્ટી પ્લોટ બનાવવા માટે બે વર્ષ પહેલાં ખાતમુહુર્ત કરાયું હતુ
- વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુદા જુદા વિભાગોમાં લાલિયાવાડી જોવા મળી છે. જેમાં વસ્ત્રાલમાં સ્ટોર્મવોટર ડ્રેનેજનું ખાતમુહુર્ત થયાના બાદ પણ કામગીરી અધૂરી રહી છે. AMC દ્વારા વસ્ત્રાલમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મવોટર ડ્રેનેજ નાખવા અને પાર્ટી પ્લોટ બનાવવા માટે બે વર્ષ પહેલાં ખાતમુહુર્ત કરાયું હતું.
આ પણ વાંચો: ગુજરાત: 189 ખાનગી શાળાઓની કાયમી મંજૂરીના ખેલમાં મોટો ભ્રષ્ટાચાર
સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે
વસ્ત્રાલમાં સ્ટોર્મવોટર ડ્રેનેજ નાખવાની કામગીરી પૂરી થઈ હોત તો તાજેતરમાં વરસેલા મૂશળધાર વરસાદને કારણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ન હોત. AMC દ્વારા ખાતમુહૂર્ત કરાયાના બે વર્ષ વીતવા છતાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને પાર્ટી પ્લોટની કામગીરી કેમ પૂરી થઈ નથી ? તેવો સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રશ્ન કરાતાં અધિકારીઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા. આ બાબતે તપાસ કરાવીને જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને ચોમાસામાં ગ્રીનવેસ્ટ સહિતના કચરાનો ઝડપથી નિકાલ કરવા પગલાં લેવા સૂચના અપાઈ છે. સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં અમદાવાદને ટોપ ફાઈવ સ્વચ્છ સિટીમાં સ્થાન મળ્યું નથી. આગામી દિવસોમાં આ હેતુસર કરાનારો ખર્ચ શહેરને દેશના ટોચના સ્વચ્છ શહેરોમાં સ્થાન અપાવી શકશે? એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અને નબળી ગુણવત્તાના કારણે ભ્રષ્ટાચારનો પર્યાય તેમજ વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવામાં આવશે. આ હેતુસર ત્રણ-ત્રણવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવા છતાં કોઈ તૈયાર થયું નહોતું. પરંતુ હવે રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટર કંપનીએ હાટકેશ્વર બ્રિજ તોડવા અને નવો બનાવવા માટે તૈયારી દર્શાવી છે. આ હેતુસર ટુંક સમયમાં ટેન્ડર મંજૂરી, વર્ક ઓર્ડર સહિતની ઔપચારિકતા પૂરી કરીને બ્રિજને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થશે.