
સાબરમતી નદીકાંઠા વિસ્તારમાં વધતા જતા દબાણો છતાં તંત્ર અટકાવતું નથી. જેમાં દરેક પ્રવેશદ્વાર ગંદા, વેજલપુરમાં AMCના પ્લોટોની આડેધડ ફાળવણી થઇ રહી છે. તેમજ કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલનની પ્રથમ બેઠકમાં ધારાસભ્ય અમિત ઠાકરે આ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે. તથા સ્થાનિક ધારાસભ્યોએ પ્રજાને કનડતા અને જાહેર હિતના પ્રશ્નો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: મોરબી બ્રીજ દુર્ઘટનામાં 135 માસુમોનો “જીવ લેનારા” ઓરેવાના માલિક જયસુખ સામે ધરપકડ વોરંટ
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ઉગ્ર રજૂઆત કરી
વર્ષ 2023ની જિલ્લા સંકલનની સૌ પ્રથમ બેઠક અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્યોએ પ્રજાને કનડતા અને જાહેર હિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખાસ કરીને સાબરમતી નદીમાં થતા બેફામ દબાણોને અટકાવવા માટે નક્કર પગલાં લેવા માટે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ઉગ્ર રજૂઆત કરી હતી. જિલ્લા સંકલનની બેઠકમાં પાણી, આરોગ્ય વ્યવસ્થા, જળસિંચન, જમીન ફળવણી સંબંધિત બાબતો, અમૃત સરોવર, આધાર કાર્ડ, ઈ-શ્રામ કાર્ડ વગેરે બાબતો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
માર્ગ મકાન ખાતુ પ્રવેશદ્વારોને સ્વચ્છ અને સુંદર બનાવે
વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય અમિત ઠાકરે બેઠકમાં નદીકાંઠાના વિસ્તારમાં વધતા જતા દબાણો હટાવવા અને તેની કાયમી વ્યવસ્થા કરવા કે જેથી વારંવાર દબાણો ન થાય તે મુદ્દે તાકીદ કરી હતી. શહેરના દરેક પ્રવેશદ્વાર આસપાસ ખૂબ ગંદકી જોવા મળે છે. તેના કારણે શહેરમાં પ્રવેશતા નાગરિકો પર શહેરની ખરાબ છાપ પડે છે. આ વિસ્તારમાં એએમસીમાં આવતો નથી જેથી માર્ગ મકાન ખાતુ પ્રવેશદ્વારોને સ્વચ્છ અને સુંદર બનાવે તેવું સૂચન કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત: પોલીસ કર્મચારીઓએ બૂટલેગરોની ગુલામી કરી પોલીસ વિભાગ સાથે ગદ્દારી કરી
વેજલપુરના રહીશોને રેશનકાર્ડ માટે છેક પાલડી સુધી ધક્કો
વેજલપુરના રહીશોને રેશનકાર્ડ માટે છેક પાલડી સુધી ધક્કો ખાવો પડતો હોય વેજલપુર વિસ્તારના મધ્યમાં રેશનકાર્ડ કચેરી કરવા માગણી કરી હતી. વેજલપુર વિસ્તાર ખૂબ ગીચ બની ગયો છે જેથી બાકી બચેલા પ્લોટની જેમતેમ ફાળવણી બંધ કરી શહેરીજનો ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે અને લાંબાગાળાના આયોજન શક્ય બને તે માટે આ પ્લોટ બચાવીને રાખવાનું સૂચન પણ કર્યું હતું. વિશાલાથી નારોલ જતા માર્ગ પર સાબરમતી નદી ઉપર આવેલા બ્રિજને તાત્કાલિક રીતે સમારકામ કરવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓની યાદી તથા લાભ મેળવવાના બાકી છે તેવા લાભાર્થીઓની યાદી કરવા સૂચન કર્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો સર્વે અમિતભાઈ શાહ, અમૂલ ભટ્ટ, જિતેન્દ્રભાઈ પટેલ, હાર્દિક પટેલ, બાબુસિંહ જાદવ, પાયલ કુકરાની, ઇમરાન ખેડાવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.