વર્લ્ડહેલ્થ

ક્લાઈમેટ ચેન્જની નકારાત્મક અસર; ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ઘરેલુ હિંસા વધી

  • જામા સાઈકિયાટ્રી જર્નલમાં ચિંતાજનક રિપોર્ટ
  • તાપમાન વધતા તેની અવળી અસર; પાર્ટનર્સના જાતીય સંબંધો હિંસક બન્યા.

અમેરિકન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રસિદ્ધ થતી જામા સાઈકિયાટ્રી જર્નલમાં માણસના વર્તનને ક્લાઈમેટ ચેન્જ સાથે સંબંધ હોવાનું સાબિત કરતો રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે. આ સાયન્ટિફિક રિપોર્ટમાં દાવો થયો છે કે ભારતમાં ઘરેલું હિંસામાં વધારો થયો છે અને તેની પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. ક્લાઈમેટ ચેન્જના કારણે દક્ષિણ એશિયાનું તાપમાન વધ્યું છે અને તેની અવળી અસર માનવ સ્વભાવ પર પડતી હોવાથી પાર્ટનર્સના જાતીય સંબંધો પણ હિંસક બન્યા છે. આઠ વર્ષના ડેટાના આધારે આ રિપોર્ટ રજૂ થયો હતો અને બે લાખ મહિલાઓના અનુભવોને ધ્યાનમાં લેવાયા હતા. આગામી વર્ષોમાં આ હિંસા હજુય વધે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

અનેક દેશોમાં હિંસાનું પ્રમાણ વધ્યું:

ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, જર્મની, ચીન, પાકિસ્તાન, તાન્ઝાનિયાના વૈજ્ઞાાનિકોની એક ટીમે સંયુક્ત રીતે માનવ વર્તન અને ક્લાઈમેટ ચેન્જનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. એ રિપોર્ટ અમેરિકન મેડિકલ એસોસિએશનની મનોવિજ્ઞાાનને લગતી જામા જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો. 1.95 લાખ મહિલાઓના ડેટાના આધારે રજૂ થયેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે દક્ષિણ એશિયન દેશોમાં બીજા બધા દેશોની સરખામણીએ પાટર્નસની હિંસાનું પ્રમાણ વધ્યું છે. ખાસ તો જાતીય સંબંધો વધુ આક્રમક અને હિંસક બન્યા છે. મહિલા સાથે શારીરિક હિંસામાં 23 ટકાનો વધારો થયો હતો. ભાવનાત્મક હિંસા 12.5 ટકા વધી હતી. તો જાતીય હિંસામાં 9.5 ટકાનો વધારો થયો હતો. ઈન્ટિમેટ પાર્ટનર વાયોલન્સ (આઈપીવી)માં ગ્લોબલ વોર્મિંગના કારણે વૃદ્ધિ થઈ છે.

ક્લાઈમેટ ચેન્જની નકારાત્મક અસર; ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ઘરેલુ હિંસા વધી

તાપમાન જેમ વધશે તેમ ઘરેલું હિંસામાં વધારો થશે:

રિપોર્ટ પ્રમાણે ભારત-પાકિસ્તાન-નેપાળમાં ખૂબ જ ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોમાં પુરૂષો હિંસક બન્યા છે તે પાછળ વધતી જતી ગરમી કારણભૂત બની છે. આ પુરૂષો પર ગરમીની અવળી અસર પડે છે તેથી તેની આક્રમકતા સ્ત્રીઓ પર ઉતરે છે. ખાસ તો જાતીય સંબંધો વખતે પણ મારપીટ વધી ગઈ છે. સંશોધકોએ તારણ કાઢ્યું છે કે તાપમાનનો પારો સરેરાશ એક ડિગ્રી વધે ત્યારે ઘરેલું હિંસામાં 4.9 ટકાનો વધારો નોંધાય છે. રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સદીના અંત સુધીમાં તાપમાન વધશે તેથી ઘરેલું હિંસામાં 23 ટકાની વૃદ્ધિ થશે.

એશિયન દેશોમાં હીટવેવની સ્થિતિ:

એશિયન દેશોમાં આ સ્થિતિ આવી ગઈ છે તે યુરોપિયન દેશોમાં આગામી દાયકામાં આવે એવી દહેશત પણ વ્યક્ત થઈ છે. સંશોધકોના મતે યુરોપ અમેરિકામાં હીટવેવની સ્થિતિ ભયાનક બની રહી છે. તાપમાનનો પારો સતત ઊંચો ચડે છે. તેની સીધી અસર માનવ વર્તન પર પડશે. તાપમાન વધવાની સાથે લોકોમાં આક્રમકતા પણ વધશે. પરિણામે આ બધા દેશોમાં ઘરેલું હિંસા વધવાની ભીતિ છે. રિપોર્ટ પ્રમાણે માનસિક તંગદિલી અને વધતા તાપમાનનો સીધો સંબંધ છે. જે અગાઉ પણ અલગ અલગ સંશોધનોમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. આ સ્થિતિ માનવજાત માટે ખતરનાક પરિણામો લાવશે એવી ચેતવણી રિપોર્ટમાં આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વરસાદમાં હેલ્ધી રહેવા માટે ફોલો કરો જરૂરી ટિપ્સ

Back to top button