એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET-UGનું પેપર ખરેખર લીક થયું? NTAએ નોટિસ જારી કરીને આપી સ્પષ્ટતા

નવી દિલ્હી, 06 મે 2024: છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેપર લીકના કિસ્સાઓ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓ હોય કે નેતાઓ, દરેક જણ આ મુદ્દાને ઉઠાવીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પણ આ મામલે પોતાનો જવાબ આપ્યો છે. NTAએ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને તમામ સંબંધિતોને જાણ કરતી નોટિસ જારી કરી છે અને NEET પેપર લીક તરફ ઈશારો કરતી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ સંપૂર્ણપણે પાયાવિહોણી અને કોઈપણ આધાર વિનાની ગણાવી છે. NTAએ વધુમાં જણાવ્યું કે પરીક્ષા કેન્દ્રોના દરવાજા બંધ થયા બાદ બહારથી કોઈને પણ હોલમાં પ્રવેશવાની મંજૂરી અપાતી નથી, જેની પર CCTV દ્વારા નજર રાખવામાં આવે છે. તેથી આવી અફવાઓથી દૂર રહીને પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.

સોશિયલ મીડિયાની તમામ પોસ્ટ પાયાવિહોણી

NTAએ તાજેતરમાં ગ્રેજ્યુએશન માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) યોજી હતી. આ પરીક્ષા 5 મેના રોજ દેશભરના 571 શહેરો અને વિદેશના 14 શહેરોના 4750 કેન્દ્રો પર લેવામાં આવી હતી અને તે જ દિવસે થોડા કલાકોમાં પેપર લીકનો દાવો કરતી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ વાયરલ થઈ હતી. જવાબમાં, NTAએ હવે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. અને કહ્યું છે કે તેમના સુરક્ષા પ્રોટોકોલ અને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયાઓએ પુષ્ટિ કરી છે કે આ પોસ્ટ્સ બિલકુલ પાયાવિહોણા છે. અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેમણે વધુમાં કહ્યું કે દરેક પ્રશ્નપત્રનો હિસાબ રાખવામાં આવ્યો હતો.

પેપર લીકની વાયરસ પોસ્ટ પર NTAની સ્પષ્ટતા

5 મેના રોજ, NTAએ એક નોટિસ જારી કરીને માહિતી આપી હતી કે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક કેન્દ્ર પર એક ઘટના બની હતી, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાના અંત પહેલા પ્રશ્નપત્રો (QPs) બળજબરીથી છીનવી લીધા હતા. આ QPની એક તસવીરને પેપર લીકની ઘટના સાથે જોડવામાં આવી રહી છે, જે આધાર વિનાની છે. પરીક્ષા શરૂ થયા પછી બહારની કોઈ વ્યક્તિ કે એજન્સી માટે કેન્દ્રો સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી QPની અન્ય તમામ તસવીરોનો વાસ્તવિક પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે મેળ ખાતી નથી. ઉપરાંત, NTAએ કહ્યું કે ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી પહેલેથી થઈ ચૂકી છે.

નોંધનીય છે કે, આ વર્ષે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 10 લાખથી વધુ પુરૂષ વિદ્યાર્થીઓ અને 13 લાખથી વધુ મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: નાનાભાઈને ડૉક્ટર બનાવવા મોટોભાઈ પહોંચ્યો NEETની પરીક્ષા આપવા, બંનેની ધરપકડ

Back to top button