લો બોલો, રાજસ્થાનમાં ED અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા


- રાજસ્થાનના જયપુરમાં ED ઓફિસર સામે ACBએ મોટી કાર્યવાહી કરી છે
- ઇમ્ફાલ મણિપુર ઓફિસમાં કાર્યરત ED ઓફિસર નવલ કિશોર મીણા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે
- જુનિયર આસિસ્ટન્ટ સબ રજીસ્ટ્રાર મુંડાવર બાબુલાલ મીણા પણ ઝડપાયા છે
EDના ઓફિસર નવલકિશોર મીણા પર આરોપ છે કે તેમણે ફરિયાદી વિરુદ્ધ નોંધાયેલા ચિટફંડ કેસમાં મિલકત જપ્ત ન કરવા માટે ફરિયાદી પાસે 17 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કર્યો હતો. ACBએ તેમને 15 લાખ લેતા ઝડપી લીધા હતા. આ કાર્યવાહી અલવરમાં કરવામાં આવી હતી. હાલમાં ટીમ આરોપી ED અધિકારી અને તેના સહયોગીના ઘર સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ACBના એડીજી હેમંત પ્રિયદર્શિનીએ આ માહિતી આપી છે.
ACBના અધિકારીઓએ જણાવ્યું કે, મણિપુરમાં કેટલાક લોકો વિરુધ્ધ ચિટફંડ કંપની ચલાવવા અને છેતરપીંડીનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં ફરિયાદી પાસે EDના અધિકારી તેમની મિલ્કત જપ્ત ન કરવાના બદલામાં રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. ફરિયાદીએ ACBને જણાવ્યું હતું કે ED ના અધિકારી નવલકિશોર મીણા અને તેમના સહાયક કર્મચારી બાબુલાલ મીણા તેમની પાસેથી રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. કેસને પણ રફે દફે કરવાની વાત કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે રાજસ્થાન ACBએ છટકું ગોઠવીને બંને આરોપીઓને લાંચ લેતા ઝડપ્યા છે. હાલમાં બંનેની ACB હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો, બાંગ્લાદેશ સરહદે સોનાના 7 કિલો બિસ્કિટ સાથે દાણચોર ઝડપાયો