નીટ પેપર લીક કેસ : એક પ્રશ્નપત્રના બદલામાં 60 લાખ…! જુઓ CBIએ કયા-કયા ખુલાસા કર્યા?
પટના, 25 જુલાઈ : NEET પેપર લીક કેસની તપાસ કરતી કેન્દ્રીય તપાસ એજન્સી CBI સમગ્ર મામલાના તળિયે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેદવારોએ 35 થી 60 લાખ રૂપિયા આપીને પ્રશ્નપત્રો ખરીદ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના ઉમેદવારોએ 35 થી 45 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યા હતા. જ્યારે અન્ય રાજ્યોના ઉમેદવારોને 55 થી 60 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે.
150 જેટલા વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યુ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં 150 જેટલા ઉમેદવારોએ પ્રશ્નપત્ર મેળવ્યા હતા. આમાંથી કેટલાકનું પરીક્ષા કેન્દ્ર ઝારખંડના હજારીબાગમાં અને કેટલાકનું મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં હતું. તો કેટલાક ઉમેદવારોના ગુજરાતના ગોધરામાં અને બિહારની રાજધાની પટનામાં પરીક્ષા કેન્દ્રો હતા.
આ પણ વાંચો : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાનું જમીનકાંડ બહાર આવ્યું
150માંથી 80થી 90 વિદ્યાર્થીઓ સારો રેન્ક મેળવી શક્યા નથી
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI)ની ટીમ પણ તે તપાસમાં વ્યસ્ત છે કે જેના કારણે આ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા અથવા પેપર લીક ગેંગ દ્વારા આ કેન્દ્રોના પસંદગીના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા હતા. પેપર લીક થયા બાદ પ્રશ્નપત્ર મેળવનાર 150 વિદ્યાર્થીઓમાંથી 80 થી 90 જેટલા ઉમેદવારોને સારા રેન્ક મળ્યા નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા સમગ્ર પેપર લીક કેસની તપાસ બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે, પાછળથી કેન્દ્ર તરફથી સૂચના મળતાં, સમગ્ર તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
સંજીવ મુખિયા હજુ પણ ફરાર
પેપર લીક કેસની તપાસમાં એક મહિના જેટલો સમય થવાનો છે. પરંતુ હજુ સુધી માસ્ટર માઈન્ડની ઓળખ થઈ શકી નથી. આ કેસનો કિંગપીન કહેવાતો સંજીવ મુખિયા ફરાર છે. જોકે, તેના સાગરિતો અને સહયોગીઓ સીબીઆઈની કસ્ટડીમાં છે, જેમાં રોકી અને ચિન્ટુનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે રોકીએ ઝારખંડના હજારીબાગની ઓએસિસ સ્કૂલમાં જઈ રહેલા NEETના પેપર્સ બહાર કાઢ્યા હતા અને પછી ચિન્ટુ દ્વારા પેપર બિહાર મોકલાયા હતા. ચિન્ટુ સંજીવ મુખિયાની ભત્રીજીનો પતિ છે. NEET પેપર લીક કેસના મોટાભાગના આરોપીઓ નવાદા જિલ્લાના રહેવાસી છે.
આ પણ વાંચો : શેરબજાર તૂટ્યું, સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 80 હજારની નીચે, TATA મોટર્સમાં ફરી ઉછાળો